પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦


કવિતદેવના આ નૂપુરઝંકારને
સુણવા નવ થોભી તું બેટી વ્હાલી ઓ !
થઈ અધીરી દેવીના સંગીતને
દિવ્ય ધામમાં સુણવા વેગે ચાલી ઓ !
આંસુંડા ઢોળું, નવ ઢોળું આ સમે. ૪

અણકરમાયા દેવીના સુર નિર્મળા
કદી કદી મોકલજે મુજને એ ધામથી;
લઈશ ઝીલી મુજ ઉરમાં સુર દિવ્ય એ;
આ સમયે અભિલાષા કો બીજી નથી.
આંસુંડા મુજ ઉરમાં ઝરી ઉરમાં શમે. ૫

પણ ઊંડી અભિલાષા એક રહી હજી :—
જીવનપથ પૂરો થાશે મુજ જે ક્ષણે,
તે ક્ષણ તુજ સંગ વશીને મુજ આત્મ આ
એ સંગીતો નિત્ય નિરન્તર જો સુણે !
આંસુડાં મુજ નવલ અમીરસ ત્ય્હાં બને ! ૬

વાંદરા.
તા. ૨૩ મી ડીસેમ્બર ૧૯૧૩
}