પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦૨


પ્રભાતમાં પ્રાર્થન.

(શિખરિણી.)
ઊંડા અંધારાએ ભરી રજનિમાં સૃષ્ટિ શમતી,
જગાડે તું પ્રેમે મૃદુ કરવડે તે જગપતિ,
ધરી ધીરાં મીઠાં સ્મિત મદુ નિહાળે તુજ ભણી,
અને એ ઉલ્લાસે વિહગગણગાનનો ગજવતી;

કીધી રક્ષા રાત્યે અવશ સ્થિતિમાં પ્રેમ થકી ત્હેં,
સ્તુતિગાનો ગાતી ઉપકૃતિ રૂડી ત્હારી સ્મરી તે,
અને ચાલે પ્રેમે અડગ નિજ કર્તવ્યપથમાં,
જ્યહાં ફેડે પેલો રવિ તિમિરનાં વૃન્દ વસમાં;

દયાસિન્ધો! ત્હારે શરણ શિશુ આવી વિનવિયે,
હમે આ સંસારે અશરણ ડૂબ્યા મોહતિમિરે,
જગાડો નિદ્રાથી, ઉપકૃતિ કદી ના વીસરિયે,
ધરો દિવ્યજ્યોતિ, સ્થિરપદ ધરી માર્ગ સરિયે;

વહી આનન્દે આ જગતમહિં કર્તવ્યની ધુરા,
જઈશું ઉલ્લાસે પ્રભુચરણપાસે રસભર્યા;
તજી અજ્ઞાનોને વિમલહદયે ધર્મ ભરશું,
અને પ્રેમે ત્હારાં સ્તવનગુણગાનો ગજવશું.