પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨૪


ગૂઢ દર્શન.

(ખંડહરિગીત.)
વિશ્વનાં ઊંડાણમાં
ગાજતું સંગીત જે,
કવિજને છાના સુણે,
જગજન સુણે શી રીત એ ?૧

દિવ્ય હૃદયે ઊઠતાં
પ્રેમનાં કંઇ ચિત્ર જે,
જડ ફલક જીવનતણું
ધારી સકે શી રીત્ય તે?૨

સંત-ઉરમાં જે સ્ફુરે
ભાવઝરણાં નિર્મળાં,
મલિન હૃદયે તે ધરે
શી રીત્ય માનવ વિશ્વનાં ?૩

વિશ્વજન સુખમાં રમે,
ભૂલી મોંઘા તત્ત્વને,
દીન હૃદયે ત્યહાં રુવે,
એ રુદન શ્રવણે કય્હાં પડે?૪