પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


ભારત જનનીની અશ્રુમાળા

લાવણ્મયી.)

હિમગિરિ શિખરો ઊંડી રજનિમાં ધરતાં તારકમાળ,
ચંદા કૌતુકભર ત્ય્હાં રસતી અમીલેપો શી રસાળ,
બાળલીલા કંઈ ધરતી !

હેવા એક મનહર શૃઙ્ગે શ્વેત વસન ધરી અંગ,
સ્ફટિકમાળ કંઠે ઝગમગતી, મૌન ધરંતી અભંગ,
દિવ્ય મૂર્તિ કો ઊભી.

સ્થિર નયને નભમાં નિરખંતી ગૌર વદન ધરી મ્લાન,
અનિલે રમતે કેશભાર નવ લેખે દેવી મહાન,
ધ્યાન ધરતી કંઈ ઊંડું !

સૂતાં સનાતન દેવદારુવન નીચે ગિન્તિટ દૂર,
સમીર જય્હાં સ્વચ્છન્દે ઘૂમે ને ઘુઘવે સુમધુર
સિન્ધુસમ ઘોષ ગભીરો;

અસંખ્ય ઝરણાં શિલા ઉપરથી પડતાં ધરીને હાસ,
મંજુલ ગાને નૃત્ય કરંતાં, ને એ અનુપમ રાસ
નિરખી રહી ચંદા કોડે.