પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૯


ઉત્તરાર્ધ :— ચન્દ્રમાં નિવાસ કરવો; ત્ય્હાં વીણાને બાધા–પીડા– નહિં થાય એ શ્રદ્ધા, અને ચન્દ્ર એ વીણાના તારમાં અમી ભરવાથી અલૌકિક માધુર્ય સુધાશે એ વિશ્વાસ;— આ સર્વ વિરાગિણીની ઉત્કટ દુઃખદશાને પરિણામે છે. પરલક્ષી કાવ્ય હોવાથી અહિં અસત્ય ભાવારોપણનો દોષ પ્રવેશ પામતો નથી. આ વિશે રા. મોહનલાલ પાર્વતીશંકર દવેએ કરેલી ટીકા આ સ્થળે ઉતારવા લાયક છે :—

“ચન્દ્રમાં નિવાસ, અબાધિત ગાન, ચન્દ્ર ત્હારી તન્ત્રીમાં અમી ભરશે,— એ સઘળી કલ્પનામાં શુષ્ક દૃષ્ટિએ અસત્ય જ છે. લાગણીનો વેગ અત્યન્ત હોઈને બુદ્ધિની મર્યાદા ઉલ્લંધી જવાય ત્ય્હારે હેવા ચિત્તક્ષોભની દશામાં વિકારભરેલી દૃષ્ટિથી હાવાં ચિત્ર ચીતરાય એ સ્વાભાવિક છે, પણ તેથી એ અસત્ય તે સત્ય થતું નથી, કવિ હેવી ચિત્તક્ષોભની દશા પામે એ ત્હેની કવિતામાં ન્યૂનતા છે, અને આ કાવ્ય જો આત્મલક્ષી હોત,— પોતાના ભાવનું કથન થયું હોત— તો તે અસત્યભાવારોપના દોષમાંથી બચી સકત નહિં. પરંતુ કવિયે આ શબ્દો એક પાત્રના મુખમાં મુકેલા છે.

“નિષ્ઠુર જગ-અપવાદ ને ક્રૂરા જગના ન્યાય” થી કંટાળેલી, દુઃખમાં ડૂબેલી, એકલી પડેલી, વિરાગિણીને સુખદુઃખમાં ભાગ લેનાર, આશ્વાસન આપનાર, જગતની પીડાઓ ભૂલાવનાર, બાળપણની મીઠી સખી વીણા સિવાય બીજું કશું હતું ? સંસારથી વિરાગિણ બનેલી સુન્દરી વિણાની રાગિણી બની હતી, ત્હેના રસમય ઝીણા સુર હેને આનન્દ આપતા હતા.