પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


વિશાળ આ આકાશમાં વ્યાપી જ્યોત્સ્ના દૂર,
એ થકી અદકું જો ! વહે તુજ પ્રેમદયાનું પૂર,
પ્રાર્થના આજ ઉચારું.
દીનતણા૦ ૧૨

અન્ધતિમિરમાં ભમી રહ્યાં દીન માહરાં બાળ,
જ્ઞાનદીપ તુજ સત્યનો ધરી સુપથ ચઢાવ્ય કૃપાળ !
આશ મ્હોટી આજ હું ધારું.
દીનતણા૦ ૧૩

કીર્તિ પુરાતન ઝળકતી ગુમાવી બેઠાં સર્વ,
ભાવિતણું રવિબિમ્બ તું પ્રગટાવ્ય અધિક ભરગર્વ,
હૃદય મુજ જેથી હું ઠારું.
દીનતણા૦ ૧૪

(ઉપજાતિ. )
વિરામી એ ગીત-અમીની ધારા
ને દેવીનેનો થકી અશ્રુમાળા
વહી રહી જો ! અવિરામ વેગે,
કપોલ સ્પર્શી ઉરભાગ ટેકે. ૧૫
(સોરઠા )
ને, અદ્ભુત ! એ ધાર અશ્રુતણી ઠરી જામતી,
ઝગમગ સ્ફટિક માળકેરું રૂપ જ પામતી. ૧૬
તજી શિલાની છાય હું સહસા ત્યહાં નીકળ્યો,
જઈ દેવીને પાય દીન ભાવથી કંઈ ઢળ્યો. ૧૭