પૃષ્ઠ:Nupur Zankar.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૭
વિરાગિણીની વીણા.

(ખંડહરિગીત.)
મન્દ અનિલ પલાણીને
મધુર રવ રજની વિશે
હૃદય લેતો તાણીને
કય્હાં થકી આ ? કો નવ દીસે.

હા! પ્હણે સરિતાતટે
એકલી કો સુન્દરી
બેઠી આસન યોગમાં,
વીણા ઉછંગ વિશે ધરી.

કેશભાર સમીરમાં
ખેલતો કંઈ મન્દ આ
શ્વેત સાદા ચીરમાં
પૂરે ધવલતા ચન્દ આ.

ગીત અમીરસ રેલતી
શાન્તિમાં એ સુન્દરીઃ
ગૂઢ રહી; કંઈ માનથી
સુણિયે હવે મૌન જ ધરી.