પૃષ્ઠ:Nupur Zankar.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૫


ઉત્સવપ્રસંગે.

(પદ.*[૧])

અરુણરંગી દીપાવો આજ પ્રભાત,
ત્હમે સદય હૃદય જગતાત !
અરુણરંગી૦ —

ઘનદળ શ્યામળ ઘેરી દિશા સહુ, રજનિ તિમિર છે અગાધ;
પ્રેમકિરણ પ્રગટાવી મનોહર પ્રેરો ઉમંગ, એ નાથ !
અરુણરંગી૦ — ૧

દિવ્ય આશ રંગશે ઘનદળને, દૂર જશે કાળી રાત્ય,
ભક્તહૃદય આનન્દ-ઉદય થઈ, ગાશે વિહંગની સાથ;
અરુણરંગી૦ — ૨

ભારતલલના દબી દુઃખભારે, કૉણ ગ્રહે હેનો હાથ ?
ભારતભગિનીહૃદય બળ પ્રેરો, યાચિચે એ દિનરાત્ય;
અરુણરંગી૦ — ૩

જનસેવામાં નિરંતર રહિયે અર્પણ કરી નિજ જાત્ય,
એહ મનોરથ સફળ કરો પ્રભુ ! યાચે આ ભગિનીસાથ;
અરુણરંગી દીપાવો આજ પ્રભાત. ૪  1. * ‘નાથ કૈસે ગજકો બંધ છોડાયો’ — એ ચાલ.