પૃષ્ઠ:Nupur Zankar.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૯


ફૂલ વ્હેંચનારી.

ફુલડાં લ્યો ! ફુલડાં લ્યો !
મીઠાં ફુલડાં લ્યો ! ફુલડાં લ્યો !
( સાખી. )
દિવ્યભૂમિની વાડીનાં ફુલડાં વીણી આજ,
અણુમોલાં વણ મૂલ હું વ્હેંચું પ્રેમ થકી જગમાં જ;
મીઠાં ફુલડાં લ્યો ! ફુલડાં લ્યો !

શિશુનાં સ્મિત અનિમિત્ત જે વેરાતાં જગમાંહિં,
ત્હેની બની આ જૂઈની આપું લલિત કળી, લ્યો ભાઈ !
મીઠાં ફુલડાં લ્યો ! ફુલડાં લ્યો !

મુગ્ધા નિરખી કાન્તને મલકાવે મુખ કાંઈ,
ગાલે રમતી ગોળ ત્ય્હાં લહરી, ત્હેની મધુર આ જાઈ
આપું, રસિયા લ્યો ! રસિયા લ્યો !

આંસુ ઢાળી શિશુ ચુમ્બતી નૂતન વિધવા દીન,
એ ચુમ્બનસૌરભભર્યા આપું માલતિકુસુમ નવીન,
મીઠાં ફુલડાં લ્યો ! ફુલડાં લ્યો !