પૃષ્ઠ:Palkara.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બદનામ
91
 

એની આંખો તીણી હતી; એના સહેજ મલકતા હોઠ પર ઠંડી ખુમારી હતી.

“નામ?” અફસરે પૂછ્યું.

“નામ બતાવવાની મારી મરજી નથી.” ઓરતો સીનો જરીકે બદલવા દીધા સિવાય ઉત્તર આપ્યો.

“વારુ ! ઓર્ડરલી !” અફસરે બૂમ પાડી.

વીસેક વરસનો ફૂટતી મૂછોવાળો જુવાન ચકચકાટ મારતા યુનિફૉર્મમાં હાજર થયો.

“સીધા સા’બ પાસ લે જાવ !” અફસરે ઓરત પ્રત્યે આંગળી ચીંધી.

નામ ન આપનાર એક શંકી ઓરત સામે સહુ તાકી રહ્યા.

એક દરવાજામાંથી બીજામાં ને બીજામાંથી ત્રીજામાં એમ એક પછી એક ચોકી વટાવીને, લાંબી લાંબી પરશાળો અને પહોળાં ચોગાનો વચ્ચે થઈને જ્યારે આ જુવાન ઑર્ડરલી તથા જુવાન ઓરત ચાલ્યા જતાં હતાં ત્યારે ઓરતનાં કદમ પણ એ લશ્કરી સિપાહીનાં કદમો સાથે તાલ લેતાં હતાં. ઓરત આ બધી ભુલભુલામણી દેખીને ડરતી નહોતી; કશુંક જોણું જોવા જતી હોય તેવી લહેરમાં હતી. જુવાન ઑર્ડરલી વારેવારે એની સામે નજર કરતો હતો, અને કોણ જાણે કેમ પણ એક ઠેકાણે વચમાં બેઉ જણાં થોડી વાર અટક્યાં પણ હતાં. છેલ્લા દ્વાર પર પહોંચવા સુધીમાં તો બેઉએ ઘણું ઘણું જાણે મળી લીધું, ઘણી ઓળખાણ કરી લીધી. બેઉનાં મોં તો ચૂપ જ હતાં. ટપ ટપ તાલબદ્ધ પડતાં બેઉનાં કદમો જ જાણે જીભનું કામ કરી રહ્યાં હતાં.

“આજનું આપણે જોડે ચાલેલું યાદગાર રહેશે ?” ઑર્ડરલી જુવાને આ પ્રશ્ન કર્યો ત્યારે એના ગાલો ઉપર ગલ પડ્યા.

જવાબમાં ઓરતે ધીરી ડોક ડોલાવી. એ ડોલનની અંદર ન ભુલાય, ન સહેવાય, તેવો ભાવ ભર્યો હતો.

છેલ્લું બારણું ઉઘડ્યું, અને ઑર્ડરલીએ જમણા હાથનો લહેકો કરી ઓરતને અંદર પ્રવેશ કરવાનું સૂચવ્યું. છેલ્લું સ્મિત વેરીને ઓરત એકલી અંદર ગઈ.