પૃષ્ઠ:Palkara.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પલકારા
92
 

ઓરત જઈને ટેબલની સામે ઊભી રહી. એકલા “સાહેબ” જ બેઠા હતા.

એણે પોતાનું બુલડૉગ જેવું માથું ઊંચું કર્યું. જાડી જાડી ભમ્મરો નીચેથી એણે આંખો ઊંચી માંડી. ઓરતને તપાસી ઘુરકાટ કરીને કહ્યું : “હેં ગમાર છોકરી ! તું મને પકડાવવા ગઈ’તી, હેં ! હું કોણ છું તેની તને ખબર નહોતી ? બેવકૂફ છોકરી ! હું… !”

ઓરતે કશો ઉત્તર ન દીધો.

“શું કરવું છે હવે તારે, હેં બેવકૂફ ! જાસૂસી ખાતામાં રહેવું છે તારે ?” સાહેબના અવાજમાં એ-ની એ કરડાઈ હતી.

“હા જી. મારે મારા દેશનું કંઈક ભલું કરવું છે. સહુ કરે છે; હુંય કરીશ.”

“શું પથરા ભલું કરીશ ? બોલ, રહેવું છે ? તને એક સારું મકાન અને મોટો પગાર મળશે. પરંતુ યાદ રાખજે; જાસૂસી ખાતાની નોકરી છે. પરિણામમાં બદનામી અને મોત જ હોય છે – ઘણે ભાગે, માટે વિચારીને પડજે.”

“કંઈક કરી બતાવાય તો મોત અને બદનામી પણ શું ખોટાં છે ?”

“ખેર, મર ત્યારે, આ લે : આ જો. બેઉ આપણા લશ્કરના મોટા હોદ્દેદારો છે; બેઉ ઉપર મને શક છે – દુશ્મનો ભેળા ભળી ગયા જણાય છે. તારે એનું પારખું કરવાનું છે. તે પારખા ઉપર આપણા હજારો સૈનિકોનાં. જીવન-મોતનો આધાર છે.”

ઓરતે બેઉ તસવીરોને નિહાળી નિહાળી જોઈ લીધી, ને પછી એણે કચેરી છોડી દીધી.

વળતા દિવસે એનો નિવાસ એક બંગલામાં થયો. નવા પોશાક, રાચરચીલા, ગાડીઘોડા વગેરે સાહેબીએ એના સૌંદર્યને હીલોળે ચડાવ્યું. એની બુદ્ધિના તેજને નવી ધાર નીકળી. બે જ મહિનામાં એણે સંગીતની કલા હાથ કરી. આવાં માણસો જલદીથી નવા જીવનનો લેબાસ પહેરી શકા છે : જીવનને એ નાટક ગણીને પાઠ ભજવે છે.