પૃષ્ઠ:Palkara.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બદનામ
93
 


[4]

લશકરના કર્નલ સાહેબ અનેક નાના-મોટા અફસરોની ઇર્ષ્યાનું કારણ બન્યા. એની ઘોડાગાડીમાં કે મોટરકારમાં વારંવાર એની બાજુએ જુવાન બાનુ બિરાજમાન જોવાતી. અનેક નૌજવાન અફસરોની કાકલૂદી પર ઠંડો તિરસ્કાર છાંટતી. આ સુંદરી આધેડ વયના કર્નલ ઉપર ઢળી પડી હતી.

એક દિવસ એ સૌંદર્યની નાગણીએ કર્નલનું છૂપું પાપ પકડી કાઢ્યું. કર્નલે પોતાના ઘરમાં આપઘાત કર્યો. કોઈને ખબર ન પડી કે આ કર્નલની દુશમનો સાથેની શામિલગીરી કોણે પકડી.

રૂપ એને મનથી એક ફાંસલાની રસ્સી જેવું બની રહ્યું. લાલસાને એ રૂપમાંથી ટપકાવી નાખેલી હતી. એના સૌંદર્યની, સુંવાળપ કાળી નાગણીના શરીરની સુંવાળપથી જુદી નહોતી. પોતાની પાસે એ એક કાળી બિલાડીને પાળેલી રાખતી. બિલાડીની તથા પોતાની આંખો એકસરખી હતી. બિલાડીને જેમ ઉંદર શિકાર હતો તેમ પ્રત્યેક માનવી આ સુંદરીને શિકાર કરતાં વધુ કિમતનો નહોતો. એક પછી એક ઘણા ખૂટેલા અફસરોને એણે પોતાના રૂપની જાળમાં પકડી પકડી ખતમ કર્યા.

એમ કરતાં એક વર્ષ ગયું. આજ એક વર્ષને અંતે દેશભરમાં આ જુવાન સુંદરીના જીવનને કળશ ચડી રહ્યો છે. એની છૂપી દેશસેવાએ સહુને મુગ્ધ કરી મૂક્યા છે. એની બુદ્ધિ, એનું ડહાપણ, એનું જીવલેણ સૌંદર્ય, એની વિશુદ્ધ નીતિ ઘેર ઘેર વખણાય છે ને વિસ્મય પમાડે છે.

આજે તો એણે રંગ રાખી દીધો હતો. દુશ્મનોની છાવણીમાં એક ગામડિયણ જુવાન છોકરી બનીને એ પેસી ગઈ હતી. પેસીને એક અમલદારને ફ્સાવ્યો હતો. ફસાવીને શત્રુપક્ષના નવા થનારા એક ભયાનક વ્યૂહની તમામ બાતમી મેળવી લીધી હતી. એ બાતમીને આધારે દેશના લશ્કરે શત્રુદળ ઉપર ઓચિંતો છાપો લગાવી, શત્રુઓની મોટી તૈયારીનો નાશ કરી, એના તમામ લશ્કરી અફસરોને કેદ પકડ્યા હતા.

લશ્કરી અદાલત બેઠી. ઓછાબોલા, ઠંડાગાર, કરડા, કોર, ચડી ગયેલ ભવાંવાળા, અક્કડપણાની પ્રતિમાઓ જેવા પાંચ બુઝર્ગો ચકચકિત