પૃષ્ઠ:Palkara.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
96
પલકારા
 

“મોતની બીકે નહિ, પણ તારા પ્યારમાં ફસાઈ પડવાની બીકે હું નહોતો રોકાયો.”

“મેં તમને કેટલી વાર બચાવ્યા છે તે ભૂલી ગયા ?”

“તેં નહિ, તારી નબળાઈએ મને બચાવ્યો છે.”

“એક વાર મને તમારા આલિંગનમાં લેશો ?”

“તારા શરીરમાં ખંજરો છૂપાયાં છે.”

“તમે એના ભુક્કા કર્યા છે. તમે જોરાવર છો.”

“જોરાવર મર્દ તને ગમે છે, ખરું !”

“જુઓ, મને જોરાવર મર્દ કેવો ગમે છે !” એમ બોલતાં બોલતાં ઓરતે એક ભરી રિવૉલ્વર કાઢી; રિવૉલ્વર શત્રુ સામે તાકી આંખો તીણી કરી કહ્યું : “પ્રભાતને હજુ ઘણી વાર છે. મારી તરસ મારે હાથે જ તમને ઠાર કરીને મારે છિપાવવી છે.”

કેદી ખડખડાટ હસી પડ્યો : “એમાં આટલાં બધાં નખરાં શાં ? આટલો ઉશ્કેરાટ શાનો ? તમાશો કેમ કરવો પડે છે ? તરસ લાગી હોય તો છિપાવી લેવી.”

એ હાસ્યમાં, એ જવાબમાં ને એ દૃષ્ટિમાં સારીય ઓરતજાતને માટે સારાય પુરુષવર્ગનો ધિક્કાર, તુચ્છકાર અને અવિશ્વાસ ગંધાતો હતો.

“હં - હં !” દાંત ભીંસતી ભીંસતી સુંદરી પોતાના હાથમાં એ નાની બંદૂકડીને ઝુલાવવા લાગી.

“મારે મન તો ઓરતના હૃદયના પ્યારની તેમ જ હિંસાની બન્ને પ્યાસ સમાન છે.” પુરુષે હસતાં હસતાં કાતર ચલાવી : “એ હથિયાર મારીનેય રુધિર પીવે છે, અને લાલસામાં સળગાવીનેય શેકી ખાય છે. તારા રૂપની હિંસા પણ એ જ જાતની છે; ભાત જુદી હશે.”

“હં - હં ! મરતો પુરુષ સનેપાતે ચડે છે, ખરું !”

બિલાડીની પેટે એણે આંખો ચોડી. બંદૂકડી એના હાથમાં વધુ ને વધુ ઊછળવા લાગી. જાણે બિલાડી ઉંદરને પૂરો કરતાં પહેલાં રમાડતી હતી.