પૃષ્ઠ:Palkara.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
98
પલકારા
 

પર મને પ્યાર હશે !” એટલું બોલીને એ સહેજ હસી.

“પ્યાર !” લશ્કરી અદાલતના પ્રમુખને પગથી માથા પર્યંત ઝાળ લાગી : “પ્યાર ! બજારમાં ટકાને ભાવે જે વેચાતો મળે છે, તે નાચીઝ પ્યારને ખાતર તેં દુશ્મનને છટકવા દીધો ? તેં દેશની સામે સાપ ઊભો કર્યો ? તું ઓરત ! આખરે, તું ઓરત !”

ઓરતની સમતા અડગ રહી.

પાંચેય અફસરોએ બે મિનિટ મસલત કરી પછી ફેંસલો સંભળાવ્યો : “કાલે સવારે તને ઠાર કરવામાં આવશે.”

સાંજે બંદીખાનામાં એ એકલી હતી. ચોમેર કાળાશ હતી. ઝાંખી બત્તી કાળાશને વધુ બિહામણી બનાવી રહી હતી. મૃત્યુધામના મહાકાવ્યની પ્રસ્તાવના જેવો એ પહોર હતો.

ઓરતનો મનોવ્યાપાર ન કળી શકાય તેવો હતો. સંભવ છે કે કદાચિત્ એની કલ્પનામાં એક વિમાનની પાંખો ગાજતી હશે; અને વિમાની, પોતે કેવી આબાદ થાપ દઈ, હિંમત કરી, એક નાપાક, નાદાન ઓરતના સાથમાંથી નાસી છૂટ્યો તેનો ગર્વ કરતો મૂછો આમળતો હશે.

એવી કલ્પનાને કારણે જ શું આ ઓરત મંદ મંદ મલકી રહી હતી ? કોણ જાણે !

દરોગાએ મોટી ચાવી વડે તુરંગનું તાળું ખોલ્યું, અને ઓરતની સામે ધર્મોપદેશક આવી ઊભો રહ્યો. ધર્મોપદેશકનો બુઢાપો, અવાજ, ઝાંખું ફાનસ વગેરે પણ તુરંગની કાળાશમાં એકરંગ બની ગયાં.

મરતા માનવીને ત્રણેક સાથી હોય છે : આકાશ સામે જોઈને એ વેળા રુદન કરતું કૂતરું, ચીસો નાખતી ચીબરી અને ધર્મપાઠ સંભળાવતો ધર્મોપદેશક.

“તારી કંઈ છેલ્લી ઈચ્છા છે ?” ધર્મોપદેશકે કાળના યંત્ર જેવા અવાજે પ્રશ્ન કર્યો.

“હા; બે ઇચ્છા છે.”

“બોલ.”