પૃષ્ઠ:Palkara.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
100
પલકારા
 

ખેંચી. એક હાથે મૂઠ અને બીજે હાથે પીંછી પકડીને એણે તલવાર ઓરતના મોં સામે ધરી.

ઓરતે તલવારની પટીમાં પોતાનું ચોખ્ખું પ્રતિબિંબ દીઠું.

“વાહ ! સરસ !” કરીને એણે તલવારની આરસીમાં નીરખી નીરખી માથાની લટો સમારી. રૂમાલની પાઘ બાંધી. સંતોષ પામીને કહ્યું : “વાહ જુવાન !”

જુવાને જરાક શિશ ઝુકાવી, તલવાર મ્યાન કરી પૂછ્યું : “ચાલશું ?”

“ચાલો.”

બેઉ જોડાજોડ ચાલ્યાં. બેઉનાં કદમ તાલ લેતાં હતાં. મકાનો વટાવ્યાં : દરવાજો વટાવ્યો : સુંદર બગીચાને પણ પાર કર્યો.

ઉજ્જડ વેરાન પથરાયેલું હતું. એક જ ખીજડાનું ઝાડ હતું. એના ઉપર બેઠું હતું આંધળું ઘુવડ. દૂર એક ભાંગેલા બુરજની દીવાલ હતી.

એક જ સરખાં કદમ ભરતાં બન્ને એ ભાંગેલી દીવાલ પાસે પહોંચ્યાં. દીવાલ સરખી ઓરતને ઊભી રાખી.

સામે બસો કદમને અંતરે સિપાહીઓને ટુકડી ઊભી હતી. મોખરે ત્રણ-ચાર લશ્કરી અફસરો ઊભા હતા. બૅન્ડ હતું. તેઓ પણ ઘુવડની માફક જ ચુપચાપ હતા.

ઓરતે આ બધું જોયું. જુવાન અફસરે ગજવામાંથી કાળો એક રૂમાલ ખેંચ્યો. કેદીની આંખે પાટો બાંધવા એણે હાથ લંબાવ્યાં.

ઓરતે એના હાથમાંથી રૂમાલ ખેંચી લીધો; મોં મલકાવ્યું. એ જ રૂમાલ તેણે જુવાનની આંખો પર લૂછ્યો.

જુવાનની આંખો રડતી હતી.

રડતી આંખો લૂછીને પછી ઓરતે રૂમાલ તેને પાછો આપ્યો.

જુવાન પાછે પગલે ખસ્યો. પછી પીઠ ફેરવી પોતાને સ્થાને ગયો; તલવાર ખેંચી.

અહીં ઓરતે ઈશ્વરને વંદના કરી લીધી.

બૅન્ડ બજવા લાગ્યું. સિપાહીઓએ બંદૂકો છાતીએ ચડાવી નિશાન