પૃષ્ઠ:Palkara.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

જલ્લાદનું હૃદય

હેરની એ ભેદી ગલી હતી.

કોઈ એને ડોકામરડી કહેતા : કોઈ ગળાકાટુ કહેતા. એનું પેટ અકળ હતું. ધોળે દિવસે પણ અજાણ્યા લોકો ત્યાં જતાં ડર ખાતાં. નાનાં છોકરાં ‘ભૂતખાનું’ શબ્દ સાંભળીને જે ધ્રાસકો અનુભવે છે, તે જ ત્રાસ આ ગલીના નામ લેતાં લોકોમાં ફેલાઈ જતો.

એ ગલીના એક ઊંડા ઘરના ભંડકિયાની અંદર સાત લાંબી દાઢીવાળા બુઢ્‌ઢાઓ ગોળ કૂંડાળે ચુપચાપ બેઠા હતા. તેઓની ઝીણી આંખોમાં ભયાનક ટાઢાશ ભરી હતી. બુઢાપાએ એ દરેક ચહેરા પર કરચલીઓના ઊંડા ચાસ પાડ્યા હતા. પ્રત્યેક મોં ઉપર કોઈક કરપીણ વાતનો નિશ્ચય છપાયો હતો. સાતે જણા મૂંગા બેઠા હતા.

બારણા પર ટકોરા પડ્યા. સાત માંહેના સૌથી વૃદ્ધ આદમીએ પહેરેગીરને ઈશારો કર્યો. ઝીણા છિદ્રમાંથી બહાર નજર કરીને પહેરેગીર પાછો આવ્યો. ધરતીના પેટાળમાંથી ઊઠતો હોય એવા અવાજે તેણે કહ્યું : “જલ્લાદજી.”

“આવવા દે !” વૃદ્ધ વગર બોલ્યે આંગળીની ઇશારત કરી.

દાખલ થનાર આદમીની ઉમ્મર પાંત્રીસેક વર્ષની હતી; કદ ઢીંચકું હતું, આંખો બંદૂકની નળીના મોં જેવી હતી; ચહેરો હજારો મનસૂબાની ઘોર જેવો, ભોંયરા જેવો, ફાંસીખાના જેવો હતો.

ભારે પગલે એ વડા વૃદ્ધની સામે આવી ઊભો રહ્યો.

વૃદ્ધે પૂછ્યું : “જલ્લાદજી ! આપણા જાતભાઈની શબ-યાત્રા દેખી ?”

આવનારે માથું હલાવ્યું.

102