પૃષ્ઠ:Palkara.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જલ્લાદનું હૃદય
103
 

“મૈયતમાં પણ શત્રુઓએ રમખાણ મચાવ્યાં, કૈંકને ઘાયલ કર્યા, એ જોયું ?”

જલ્લાદજીએ ફરીથી માથું હલાવ્યું. હજુ પણ એના હાથની અદબ ભીડેલી હતી. થીજી ગયેલા પ્રવાહ જેવો એ ઊભો હતો.

ખુરસી પર બેઠેલા વૃદ્ધે પોતાનો હાથ જલ્લાદજી તરફ લંબાવ્યો. એનાં આંગળાં વચ્ચે એક કાગળની ચબરખી હતી.

જલ્લાદની અદબ છૂટી : હાથ લંબાવીને એણે ચબરખી લીધી. ઓરડામાં આવ્યા પછીની એના શરીરની આ પહેલી જ ક્રિયા હતી. અને એના જમણા હાથની આટલી જરૂર પૂરતી ક્રિયા સિવાય બીજાં તમામ અંગોમાં મૃતવત્ નિશ્ચલતા હતી.

ચબરખીમાં લખેલું નામ વાંચતાં જ એની આંખોનાં ભવાં ઊંચાં ચડ્યાં : “આ શું ?” એણે વૃદ્ધની સામે ઉશ્કેરાટભર્યા અવાજે બોલવા માંડ્યું : “આ તો મારો મિત્ર ! આની ગરદન ઉપર મારી કુહાડી કેમ પડી શકે ? આ તમે શું કહો છો ?”

“કોમનો નિર્ણય : જાનને બદલે જાન. હત્યા કરનારને હણવો.” પ્રમુખ વૃદ્ધના ગળામાંથી ઠંડાગાર શબ્દો આવ્યા.

“પણ-પણ –” જલ્લાદની ખામોશી પીગળતી હતી : “આ તો મારો બચપણનો ભેરુબંધ : આ તાઈ અને હું ભેળા રમતા. ને મને મારા બાપુ મારતા ત્યારે તાઈની આંખોમાં આંસુ ચાલતાં. આમ તો જુઓ–”

કહીને એણે પોતાના કુડતાની બાંય ઊંચે ચડાવી કાંડા પર બતાવ્યું : “જુઓ, આ શું છે ? નાના હતા ત્યારે તાઈએ મને મારેલ છુરીનો આ ડાઘ છે. અમારી ભાઈબંધીનું એ એંધાણ છે. ને મારા જમણા હાથ ઉપર જ છે. એ જ હાથ શું તાઈની ડોક ઉપર કુહાડી ઉપાડશે ?”

બુઢ્‌ઢાની ડોક હતી. એના ચુપચાપ મોં-મલકાટે એની કરચલીઓને વધુ બિહામણી બનાવી.

જલ્લાદજીની આંખો બીજી બેઠક પર ચાલી. બીજો વૃદ્ધ પણ ઠંડોગાર અને અનિમેષ બેઠો રહ્યો.