પૃષ્ઠ:Palkara.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
104
પલકારા
 

ત્રીજા સામે, ચોથા સામે… જલ્લાદજી એ આખા ચક સામે ફરી વળ્યા. સાત બુઢ્‌ઢોઓ ગીધ પંખી જેવા અબોલ, અચલ બેઠા રહ્યા.

કૂંડાળાની વચ્ચે ઊભેલો મનુષ્ય એ ચૌદેય આંખોના ધગધગતા સોયા વડે સોંસરો વીંધાઈ ગયો. વિધાતાનું અફર વિધાન એ સાતેય ચહેરામાં લખાયું હતું. પ્રત્યેક મોંના અચલ હોઠ ઉપર મૂંગો એક જ અવાજ રમતો હતો કે – “જાનને સાટે જાન ! હત્યાનો બદલો હત્યા ! આપણા એક બાંધવની મૈયત નીકળી, તો સામાવાળાની પણ એક લાશની પાયદસ્ત નીકળે છટકો. બીજી કોઈ વાત નહિ.”

“પણ મહેરબાનો ! મુરબ્બીઓ !” જલ્લાદને હજુય આશા હતી : “મારા હાથે આ કૃત્ય નહિ થઈ શકે.”

“જલ્લાદજી !” પ્રમુખે વૃદ્ધ કોઈ યંત્ર જેવા એકસૂરીલા બોલ સંભળાવ્યા : “જેના નામની ચિઠ્ઠી નીકળી. તે ગમે તે હો, દોસ્ત હો વા દીકરો, તમારે એને ખતમ કરવો પડશે. મિત્રતા મોટી ? – કે પ્રભુ અને પિતૃદેવોની સામે લીધેલા કસમ મોટા ? તમે કોણ છો ? પ્રભુના આજ્ઞાવશ જલ્લાદ છો : નેકપાક પરશુધર છો.”

પાંત્રીસ વર્ષના પુરુષને કાને ‘પ્રભુ’ અને ‘પિતૃદેવો’ના બોલ પડ્યા. પોતે લીધેલા ‘કસમ’ એણે યાદ કર્યા, એનું માથું નીચે ઢળ્યું. એ ત્યાંથી ચાલ્યો – બહાર નીકળી ગયો.

ડોકામરડી ગલીના એ ભંડકિયા ઓરડામાં સાત નિશાચરો ઘુવડશા મનસૂબા ઘડતા બેઠા રહ્યા.

[2]

દરવાજાને ઓટે બેઠો બેઠો એક આદમી એની લાંબી નળીવાળી ચુંગી પી રહ્યો હતો. મીઠી તમાકુના ધીરા ધુમાડાના એના નાકમાંથી નીકળી અવનવા આકાર ધરતા ઊંચે ચઢતા હતા. એની આંખો આ ધૂમ્રપાનની સુખ-લહેરમાં ઘેરાતી હતી. ઓટા પર બેઠો બેટો એ ગલીના ઊંડાણમાં છેક બીજે છેડે ચાલતો શોરબકોર સાંભળતો હતો, અને પોતાની સામે ઊભેલા સાથીને કહેતો હતો કે –