પૃષ્ઠ:Palkara.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જલ્લાદનું હૃદય
105
 

“કોમ આખી કેટલી બધી ઊતરી ગઈ ? આપણે પરદેશમાં આવીને મવાલી બની ગયા. આપણે આપણા દેશની ઇજ્જત અહીં પારકે પાદર આવીને ધૂળ મેળવી, મુર્દાની પણ આપણે અદબ મેલી. સ્મશાનયાત્રાનો પંથ તો પ્યારનો, પસ્તાવાનો, તોબાહ કરી લેવાનો. ત્યાં પણ આપણાં લોક ગરદનો કાપે છે પરસ્પરની.”

“હા-હા-હા-હા !” સાથી પોતાની આંખ બગાડતો હસ્યો : “ને હવે સામાવાળાનો જલ્લાદ બસ આપણા હરકોઈને ઘેર આવી પહોંચશે.”

“જલ્લાદ” શબ્દ સાંભળતાં તો ચુંગી પીતા ગૃહસ્થે ચુંગીની ઘૂંટ લેવાનું બંધ કર્યું. ચુંગીની નળી એના હોઠ વચ્ચે થંભી ગઈ.

જેના શ્રવણ માત્રથી જ જીવતાં શરીરોનાં લોહી શોષાઈ જાય, એવો એ શબ્દ હતો ‘જલ્લાદ’, એ કોઈ અકળ અને અગમ પાત્ર હતું. એને કોઈ ને ઓળખતું. એનું કાર્ય મૂંગાં મૂંગાં હરકોઈની ગરદન પર કુહાડી ઝીંકવાનું હતું. કોમની ગુપ્ત અદાલત જેના નામની ચિઠ્ઠી ઉપાડે, તે મનુષ્યનું લોહી જલ્લાદની કુઠાર-ધારા છાનીમાની પીવા જતી. ઘરોઘર ઉપર અને પલેપલ એનો ઓળો પડતો. દ્વારેદ્વારે એના ભણકારા બોલતા. વધુમાં એ પુરુષ પવિત્ર અને પ્રભુપ્રેરિત ગણાતો. માટે તો એ જલ્લાદ-જી કહેવાતો.

ચુંગી પીતા આદમીને અંગેઅંગે થરથરાટી છૂટી ગઈ, અને એ ઊભો થયો. સાથીને પણ એણે કહ્યું : “અંદર આવો !”

બારણાં બંધ કરીને બેઉ જણા મકાનમાં પેસી ગયા. ગભરાયેલા ઘરધણીએ કોઈ ન સાંભળે તેમ એ દાઢીવાળા સંગાથીને પૂછ્યું : “જલ્લાદનો ભોગ કોણ બનશે આ વખતે ?”

“લાવ, દાણા જોઈ દઉં. હા-હા-હા-હા !” ફરી વાર એ હસ્યો. ધીરે ધીરે એનું હસવું ભયાનક બનતું ગયું.

એ નજૂમી હતો. એણે કિસ્મતના બોલ વાંચ્યાં. દાણા ઉપરના આડાઅવળા લીટામાં એની આંગળીઓએ આપોઆપ એક નામ લખ્યું. એની આંખો ઘરધણીના મોં પર ઠેરાઈ ગઈ. એણે ધીમે અવાજે કહ્યું : “ભૈયા ! જલ્લાદજીના કુહાડા હેઠળ તકદીર તારી ગરદન…”