પૃષ્ઠ:Palkara.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
106
પલકારા
 

“મારી – મારી ગરદન !” ઘરધણી ફફડ્યો : “મારા શા અપરાધે ? હું નહિ – ના ના, હું નહિ – ભાગી જા અહીંથી : ચાલ્યો જા ! તું મારો જાન લેવરાવવા માગે છે ? – ભાગી જા !”

નજૂમીને ધકાવી નાખી ઘરધણીએ જ્યારે અંદરથી દ્વાર બંધ કર્યું ત્યારે બહાર ઊભો ઊભો નજૂમી ખડખડ હસતો હતો; દ્વાર ભભડાવતો કહેતો હતો : “તકદીરના આંકડાને અપમાન દેનારો પસ્તાશે, હાં કે તાઈ !”

[3]

તાઈ બેઠો રહ્યો. રાત પડી. તાઈનો થરથરાટ શમી ગયો. તકદીરના આંક ચાહે તે હો, પણ તાઈએ વિચાર્યું કે જલ્લાદજીની કુહાડીને માટે સહુ કોઈએ તૈયારી કરી જ નાખવી ઘટે. એ તૈયારી કરવા તાઈએ મેજ પર મોટો કાગળ પાથર્યો. એમાં પોતે લખવા મંડ્યો : એ લખાણ પોતાના વસિયતનામાનું હતું.

ઠંડા સુગંધી દીવા બળતા હતા. ધૂપદાનીનાં ધૂપ-ગૂંચળાં ઓરડાની અંદર ખુશબોનું ચિત્રાંકન કરતાં હતાં. એક બાજુએ માંડેલી પ્રભુપ્રતિમા એનાં નયનોમાંથી નીરવ અમૃતધારા રેલાવતી હતી, અને બાજુના બીજા ખંડમાંથી એક બાળગીતના સૂરો ચાલ્યા આવતા હતા. કોઈ કોમલ શરણાઈ-કંઠનું એ સંગીત હતું. વસિયતનામું લખતો લખતો ઘરમાલિકી વારેવારે એ કાલાઘેલા ગીત તરફ કાન માંડતો હતો, અને આંખોમાં સુખલહેર અનુભવતો હતો.

“હાશ !” એવા ઉદ્‌ગાર સાથે એણે કલમ નીચે મૂકી. લખાઈ રહેલ વસિયતનામા ઉપર એની આંખો ફરવા માંડી. એકલો એકલો એ બબડતો હતો : “શી ફિકર છે ? મારો ભાઈબંધ મારી તોયાને જીવ માટે પણ જાળવશે. મારે તોયા સિવાય જગમાં બીજો કોઈ સ્નેહ-તાંતણો નથી; તોયાની મા જ્યાં સાંચરી છે ત્યાં જ મારે તો જવાનું છે ને !…”

ટક… ટક…ટક: બારણા પર ટકોરા પડ્યા.

પહેલી ક્ષણે તો એને ફાળ પડી. પણ પછી એણે વિચાર્યું : ના, ના, હોય નહિ. એ આવશે ત્યારે આગલે બારણેથી નહિ આવે. ને ટકોરા પણ