પૃષ્ઠ:Palkara.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જલ્લાદનું હૃદય
107
 

નહિ મારે. આ તો કોઈ સ્વજનના જ હાથ ઠોકે છે.

એણે દ્વાર ઉઘાડ્યું. આવનાર પુરુષને જોતાંની વાર જ એ તો હર્ષગદ્‌ગદિત બની બાઝી પડ્યો : “ઓહોહો ! ભાઈ ! તમે છો ? તમે ક્યાંથી ? ખબરપતર વિનાના ઓચિંતા ઝબક્યા ? ઓહોહો ! કેટલો આનંદ ! ઠીક આવ્યા. આવો, આવો, અંદર આવો.”

સ્મશાનેથી શબ ઊઠીને આવ્યું હોય એવો એ આવનારનો થીજેલો ચહેરો હતો. પોતાનું સ્નેહભર્યું સ્વાગત દેખીને એની મુખમુદ્રા વધુ શ્યામ બની. જવાબ આપ્યા વગર એ ઘરમાલિકની બાથમાં ઘસડાતો ઘરમાં ગયો.

“જોયું ? સાંભળ્યું ? ઘરમાલિકે મહેમાનને ખંડની વચ્ચે ઊભો રાખી કહ્યું : સાંભળ્યું એ ગીત ? –”

હીરદોરમાંથી સરતાં મોતી જેવા ગીતના શબ્દો સંભળાતા હતા ?

દાદીના વડલામાં કોયલ માળા બાંધે;
માળા તો બાંધે ને કોયલ ઇંડાં મેલે;
ઇંડાં તો મેલે ને કોયલ ચારો લાવે;
વડની પોલમાંથી એક ભોરિંગ આવે.

“સાંભળ્યું ? કેવું મીઠું મીઠું ગાય છે તારી તોયા ! બહુ ડાહી દીકરી : મા વિનાની એટલે જ આવી ડાહી છે, હોં કે ! હમણાં મારે એને ખબર નથી આપવી કે તમે આવ્યા છો. આવો, અહીં આવો, કંઈક બતાવું.”

પરોણાને ખેંચીને તાઈ ટેબલ સુધી લઈ ગયો; વસિયતનામું બતાવ્યું : “જુઓ, મેં તો આજે ને આજે જ બધું પતાવી લીધું છે. મને તો હવે આ દેહનો ભરોસો નથી. તમારી ને અમારી કોમો ખૂબ લોહી પીશે; ને હું આગેવાન ગણાયો છું, એટલે મારો વારો પહેલો આવશે. માટે, ભાઈ, મેં તો બધું ઠેકાણે પાડી દીધું. લ્યો, હવે વાંચો જોઉં –”

પરોણાની આંખો આડા પડદા પડી ગયા હતા. એ ઉકેલી શકતો નહોતો. ઓચિંતાની એની નજર એક નામ પર પડી : એ તો એનું પોતાનું જ નામ ! આ શું લખ્યું હતું ? કે ‘મારી બધી સ્થાવર-જંગમ ઇસ્કામત મારા મિત્ર …ને મળે.’ અને …અને બીજું શું લખ્યું હતું ? –