પૃષ્ઠ:Palkara.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માસ્તર સાહેબ

માસ્તર સાહેબ કાબરચીતરું પાટલૂન પહેરતા અને તે ઉપર સફેદ રંગનો કોટ ચડાવતા. પાટલૂનનાં પાંચ પૈકી બે બટન તો એમના વર્ગના રઝળુ નિશાળિયાઓની પેઠે ઘણુંખરું ગેરહાજર જ રહેતાં; અને કોટનાં બટનની હારમાં કચકડાની, સૂતરની તથા ટિનની, એવી ત્રણ પ્રકારની ભાત પડતી. મોજાંને ‘સસ્પેન્ડર’ના અભાવે પગની ઘૂંટી સુધી ઊતરીને પડ્યા રહેવાનું ગમતું. એક ગલપટો ત્રણેય ઋતુઓમાં માસ્તર સાહેબના શરદીપ્રિય ગળાનો સંગાથી હતો. હાથે હજામત કરતાં આવડતું ન હોવાથી, અને હજામોને માસ્તર સાહેબની હાડકાં નીકળી પડેલી દાઢી બોડવી ગમતી ન હોવાથી, અઠવાડિયામાં બે-ત્રણ દિવસ માસ્તર સાહેબ અર્ધઋષિ અથવા અર્ધઇસ્લામી દેખાતા. હાઇસ્કૂલમાં એ વિજ્ઞાન શીખવતા. કેમિસ્ટ્રી એમનો ખાસ વિષય હતો.

“કેમ છો, માસ્તર ?” શિયાળાને એક દિવસે સ્કૂલનાં પગથિયાં ચડતાં જ ત્યાં ઊભેલા સ્કૂલના પ્રોપ્રાયટર સાહેબે માસ્તર સાહેબની સલામ ઝીલીને સહેજ મોં મલકાવ્યું.

“સારું છે, સાહેબ !” ઘણા દિવસે આજે માલિકના મોં પર સ્મિત ભાળીને માસ્તર સાહેબને પ્રમોશનની આશા પ્રગટી. સહેજ થોભવા પ્રયત્ન કર્યો.

“યુનિવર્સિટીની સેનેટમાં તમારો પેલો પેપર, ‘સૂર્યનાં કિરણો’ ઉપરનો, બહુ પ્રશંસા પામ્યો. તમને એ ખુશખબર આપવા જ હું અહીં ઊભો હતો આજે.”

“બહુ આભાર થયો આપનો.” માસ્તર સાહેબે ફરીને હાથ જોડ્યા.

3