પૃષ્ઠ:Palkara.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જલ્લાદનું હૃદય
113
 

વેળાસર.”

ટાણે-કટાણે, અધરાતે, પરોઢે – જ્યારે બહારના કામનું તેડું આવે ત્યારે પુરુષ કપડાં પહેરીને ચાલ્યો જાય છે. સ્ત્રીની જુવાની આ પતિનું દુનિયાજીવન સમજી શકતી નથી. એને શી ગમ પડે કે મિત્રનું લોહી છાંટ્યા પછી દિવસ ને રાત અંતરમાં આગના ભડાકા અનુભાતો પુરુષ કોમ-કોમ વચ્ચેના આ શોણિતપણાને અટકાવવાના શાંતિ-પ્રયત્નો કરી રહ્યો છે ? એને શો ખ્યાલ કે જુવાનીના ઝૂલા ઝુલવાનો હક્ક પોતાના મિત્રની હત્યાનું પ્રાયશ્ચિત કર્યા વગર આ પુરુષ ભોગવી શકે તેમ નથી ? એક જ લગની : એક જ ધૂન : એક જ તાલાવેલી ! સ્ત્રીને રસ માણવાની : પુરુષને રક્તપાત પર શાંતિ છાંટવાની.

બેઉની વચ્ચે ઘણું અંતર પડી ગયું : માઝમ રાતના જલસાઓમાંથી વહ્યા આવતાં નૃત્યગીતના સ્વરહિલ્લોળોએ, ચાંદની રાતોમાં સર્જેલા નિરર્થક શણગારોએ, વેણીકૂલની અને ધૂપદીપન ફોરમોએ સહુએ એ સ્ત્રીને ગાંડી કરીને આખરે એના મકાનમાં ચોકી પહેરો ભરતા એક કોમી સ્વયંસેવક જુવાનના ભુજપાશમાં ધકેલી દીધી.

*

અરધી રાત – અહીં એક યુવાનની ભુજાઓ વચ્ચે.

અરધી રાત – ત્યાં વૈરના ભડકાથી વીંટળાયેલો.

વિરોધીઓના ગુપ્ત મસલતખાનામાં એ એકલો આવી ઊભો રહ્યો. એની ઝીણી આંખોએ શત્રુ પ્રતિનિધિઓને એક પછી એક માપ્યા. માપતી માપતી એની નજર એક માણસ પર થોભી; પછી, એણે દુશ્મનોને સંભળાવ્યું : “દોસ્તો ! મારા લોહીભાઈઓ ! તમારે શું જોઈએ છે ?”

શત્રુઓએ એકબીજાની સામે જોયું : કોઈને ગમ નહોતી, કે ‘અમારે શું જોઈએ છે ?’

“લોહી જોઈએ છે ? – તો લાવો, ધરો ખોબા : તમે ધરાઓ તેટલું મારા કલેવરમાંથી કાઢી આપું.”

લોકો ચૂપે રહ્યા. એણે કહ્યું : “હું બાંધવતાનો પંજો મિલાવવા આવ્યો