પૃષ્ઠ:Palkara.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જલ્લાદનું હૃદય
115
 

કર્યાં. એ ત્યાં જ ઊભો રહ્યો,

જલ્લાદે ચોગાનમાં પ્રવેશ કર્યો, ઘરની અંદર જઈને થીજેલી આંખે પ્રેમિકોને ચુપચાપ નિહાળ્યાં, ઉશ્કેરાટ કે ન બતાવ્યો, કાળ જેવો અક્ષુબ્ધ ઊભો, પછી એણે જુવાનને એટલું જ કહ્યું : “આગળ થા.”

ઘરમાં દેવપ્રતિમાં હતી, તેની સામે જુવાનને ઊભો રાખ્યો, ફરી કહ્યું : “શિર ઝુકાવ.”

જુવાનનું શિર નમ્યું : સાથોસાથ ઘ૨ધણીની બાંયમાંથી કુહાડો નીકળ્યો.

“સબૂર ! ઓ જરી વાર સબૂર કરો; એક વાત સાંભળી લ્યો.” તોયા ચીસ પાડતી વચ્ચે આવી ઊભી.

સ્વામીનો હાથ અડધે ઊપડેલો અટક્યો; એણે તોયાને નિહાળી : એની આંખોમાં અમીની છાંટ ઝલકી. એણે પૂછ્યું : “બોલો, શું છે ?”

“તમે - તમે મારા બાપુને આપેલો કોલ યાદ કરો : તમે મને હરકોઈ પ્રકારે પણ સુખી કરવાનું કબૂલ્યું છે.”

“તને આ જુવાનની જોડે સુખ થશે ?” સ્વામીનો કુહાડો હજુ તોળાઈ રહ્યો હતો.

તોયાએ ડોકું ધુણાવ્યું : એની આંખોમાં સ્વામીએ હણેલા મિત્રની આખરી વારની આંખો દેખાઈ.

કુહાડી સાથે એનો જમણો હાથ નીચે ઢળ્યો. યુવાનને એણે કહયું : “ઊભો થા.”

યુવાનને હજુ આ સ્વપ્ન લાગતું હતું. એ ઊઠ્યો.

તોયાનો હાથ ઝાલીને સ્વામીએ યુવાનના હાથમાં સોંપ્યો; કહ્યું : “આને સુખમાં રાખજે. ને યાદ રાખજે - આ જો ૨જ પણ દુઃખી થશે, તો ધરતીના પટ પર તું જ્યાં હશે ત્યાં દેવતા તારી ખબર લેશે. હવે તમે બેઉ જઈ શકો છો.”

એટલું કહીને એણે પીઠ વાળી : દેવમૂર્તિની સામે ઊભો રહ્યો. એની આંખોનાં પોપચાં નમ્યાં; કુહાડો પાછો એની બાંયમાં પુરાયો.