પૃષ્ઠ:Palkara.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જલ્લાદનું હૃદય
117
 

ચૂંથાય છે, છતાં દેખી શકાતા નથી; એથી કરીને લોકો બહિષ્કારનું દૃશ્ય દેખી તમાશાના પ્રેક્ષકોની પેઠે રંજિત બને છે.

જલ્લાદજીની દુકાન સ્મશાન બની : આંટ તૂટી ગઈ : ઉંબર ઉપર તિરસ્કાર તિરસ્કારના થૂથૂકાર ગંધાઈ ઊઠ્યા. એણે રોજગાર સંકેલ્યો : માલ હરરાજીમાં મૂક્યો. કોઈ ખરીદનાર ન ડોકાયું. એના ઘરની દેવપ્રતિમાને એક ગોરો કલાપ્રેમી પોતાના ઘરના ફર્નિચર તરીકે લઈ ગયો.

*

“બુઢિયા ! એ હે…ઈ બુઢિયા ! આ તારો કાગળ કો’ક આપી ગયું છે.”

ખોપરી ફાટી જાય તેવા તપતા મધ્યાહ્‌ને એક બુઢ્‌ઢા જેવો લાગતો આદમી ખેતરમાંથી ચાનાં પાંદડાં વીણતો હતો. ચહેરાની ચોપાસ વધેલી વાળની ઝાડીમાંથી એની બે નિસ્તેજ આંખોએ ઊંચે જોયું : કોઈક મજૂરણ ડોશીએ એના હાથમાં કાગળની ચબરખી મૂકી.

બહિષ્કારનાં બે વર્ષોએ એનાં મન-શરીર ઉપર બીજાં ચાળીસ વર્ષોના પોપડા ચડાવી દીધા હતા. ખંડિયેર ખાલી ભીંતડાંનું જ હોય તો બહુ ભયાનક નથી લાગતું; પણ સલામત ભીંતોવાળા ઉજ્જડ ઘરનું તાળાબંધ કમાડ જો ધૂળના ઢગમાં અરધું દટાયું હોય છે, તો તે વટેમાર્ગુને થથરાવે છે. મૂંગો બનેલો એ બહિષ્કૃત માનવી આવા પ્રકારનું ખંડિયેર હતો.

“હેં !”

એણે ચબરખી લેતાં લેતાં અવાજ કર્યો : જાણે ખંડિયેર પર હોલો બોલ્યો.

પસીનો લૂછ્યો, વાળ ખસેડ્યા, આંખો પર ચડેલી રજને ફાટેલી બાંય વડે લૂછી. જાણે કે ધરતીકંપના ઢગમાં દટાયેલો થોડો થોડો જીવતો માનવી બહાર આવ્યો.

ચબરખી એણે વાંચ્યા જ કરી; ફેરવી ફેરવીને વાંચી.

આજ પહેલી જ વાર એની આંખો ભીની બની.

પાછો થંભ્યો : મશ્કરી તો નહિ હોય ? ફિકર નહિ: તકદીરના અટ્ટહાસ્યમાં આટલો અલ્પ ઉમેરો શું કરી નાખવાનો છે ?