પૃષ્ઠ:Palkara.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
118
પલકારા
 

એ ઊઠ્યો. એની વળેલી કમ્મર એકાએક અક્કડ બની. એ ભવ્ય દેખાયો; ખેતરમાંથી ચાલી નીકળ્યો.

“ગાંડો ક્યાં હાલ્યો ?” લોકોને ગમ્મત થતી હતી.

શહેરને છેવાડે કોઈ કોમી ભાઈ ન કળી જાય તેવે ઠેકાણે એક જૂના માલની હાટડીએ એ ચડ્યો. તુરત જ દુકાનદારે કહ્યું : “હવે ભલો થઈને તારા કુહાડા લઈ જા ને આંહીંથી; કોઈ મફતેય રાખતું નથી.”

“હું મારા કુહાડા પાછા લેવા જ આવ્યો છું.”

"તું તો, ભૈ, ઘણાય ફદિયાં લેવાની આશાએ આવ્યો હોઈશ; પણ શું કરું. મારા બાપા ! કોઈ થુંકતું નથી તારા કુહાડા સામે. લાકડાં ફાડવાના કામના તો નથી રહ્યા. હા, માણસને કાંધ મારવાં હોય તો કામ આવે એવા છે; પણ ઈ તો હવે તને કોઈક ગળાકાપુ ભેટી જાય ત્યારે વેચાણનો જોગ થાય !”

જૂની છત્રીને સળિયા ભરાવતો હાટડીવાળો આવું બબડતો રહ્યો, ને કુહાડાવાળાએ બેઉ કુહાડા બગલથેરીમાં નાખી ચાલતી પકડી.

પાસે ખરચી નહોતી. દિવસ-રાત એણે પગભર મજલ ખેંચી : ઊંટની ઝડપે પંથ કાપ્યો. ચોથે દિવસે દોઢસો કોસ પર પડેલું શહેર દેખાયું: મિનારા, કાંગરા ને ઘુમ્મટો; મિલોનાં ભૂંગળાં, જહાજોના કૂવાથંભ અને અજગર-આકારે ખાડીઓ ઉપર સૂતેલા લાંબા કાબરા પુલો.

એ સફેદ, ચકમકતી ને સુંદર દેખાતી વિરાટ નગરીના હૃદયભાગમાંથી કોઈ એક આહ ઊઠતી હતી. એ આહનો રંગ લાલપીળો હતો. એ અગ્નિશિખા આકાશે ચડીને અક્ષરો રચતી હતી : “ફસાણી છું; વેશ્યા-ઘરે વેચાણી છું. પગે પડીને, મોંમાં જોડો લઈને વીનવું છું : ગાયને ખાટકીવાડેથી છોડાવી જાવ.”

ના, ના, એ કોઈ આકાશી અગ્નિશિખા નહોતી; બુઢ્‌ઢાના હાથમાં ચોળાઈ રહેલ ચબરખીના જ એ અક્ષરો હતા: ‘ખાટકીવાડેથી ગાયને છોડાવી જાવ’.

પગરખાં સંધાવવા માટે એક ખૂણામાં એ મોચીની દુકાને ઊભો રહ્યો;