પૃષ્ઠ:Palkara.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
4
પલકારા
 

ગલપટો સરખો કર્યો, ને માલિકને હજુ વિશેષ કશુંક કહેવાનું હશે એમ ધારી આશાભર્યું મોં કરી ઊભા રહ્યા. થોડી વાર સુધી પ્રોપ્રાયટરે કંઈ ન કહ્યું ત્યારે માસ્તર સાહેબે એક ખાંસીનું ઠસકુ ખાઈને બીતાં બીતાં પૂછ્યું : “કંઈ – કંઈ - આ વખતે કંઈ પરીક્ષક નિમાવા આશા ખરી ?”

“એ તો હવે જુઓ ને, માસ્તર ! જાણે કે તમારો ‘પેપર’ વખણાયો. ખરો, પણ તે તો વિદ્વત્તાની દૃષ્ટિએ, કહો કે આધ્યાત્મિકતાની દૃષ્ટિએ; વ્યાવહારિકતાની બાજુમાં તો ઘણાએ ઘણી ઘણી શંકાઓ ઉઠાવી. પણ ઠીક છે, જોઈશું એ તો. ક્યાં ઉતાવળ છે ?”

હાઇસ્કૂલના તરવરિયા માલિકે એટલું કહીને આંખો પરથી, રોલ્ડગોલ્ડનાં ચશ્માં ઉતારી રેશમી રૂમાલે લૂછવા માંડ્યાં. નિશાળનો ઘંટ થયો તત્ક્ષણે જ માસ્તર સાહેબે, ‘જે જે સાહેબ !’ કહી ક્લાસ તરફ ચાલવા માંડ્યું.

“અરે, માસ્તર !” માલિકને કશુંક યાદ આવ્યું.

“જી.” માસ્તર પાછા ફર્યા.

“તમે ‘ફિફ્‌થ બી’નો ક્લાસ ભણાવો છો કે ?”

“જી હા,” માસ્તરને કશીક નવી વધાઈની આશા આવી.

“કાલે સાંજે તમારા ક્લાસની બત્તીની સ્વિચ બંધ કર્યા વગર જ તમે ચાલ્યા ગયા હતા. બત્તી આખી રાત બળતી રહેલી.”

માસ્તર સાહેબ ખસિયાણા પડી ગયા. હાથમાં હાથ ચોળવા લાગ્યા. એના મોં ઉપર એક ગંભીર ભૂલ થઈ ગયાની શરમ છવરાઈ.

માલિકની આંખોમાં ને વાણીમાં કડકાઈ તપી : “આ તમારી ચોથી વારની બેપરવાઈ થઈ. આ વખતની નુકસાનીના આઠ આના તમારા આ મહિનાના પગારમાંથી કાપવામાં આવશે. ને હવે જો કસૂર થશે તો તમારી રેકર્ડ-બુકમાં ખરાબ રિમાર્ક લખાશે.”

“વારુ, સાહેબ ! દરગુજર ચાહું છું.”

આટલી ગંભીર કસૂર આઠ આનાથી પતી ગઈ માની રેકર્ડ બુકની કારકિર્દી પર છાંટો ન પડવાથી અગ્નિની આરપાર નીકળી ચૂકેલ એક સતી