પૃષ્ઠ:Palkara.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
120
પલકારા
 

પંજામાંથી છટકી તોયા નાઠી; પોતાના નામનો સાદ આવતો હતો તે દિશામાં દોડી.

“તોયા !” ભિખારીએ જૂના પ્રેમસૂરનો દિલ-સિતાર છેડ્યો.

થોડી વાર તો તોયા થંભી રહી : આ દશાનો મર્મ સમજાયો નહિ. આખરે ઓળખીને પગમાં પડી ગઈ. એનું કલેજું ધ્રુસકાં લેવા લાગ્યું. એનું માથું પતિના ઘૂંટણ વચ્ચે હતું.

“એ હેઈ ગધ્ધા ! કોણ છો તું ?” પછવાડેથી અવાજ આવ્યો.

મદ્યની ગંધમાં નીતરતો આદમી મુક્કી ઉગામીને ધસ્યો આવે છે.

“છોડ, એઈ નાદાન !” એણે પોતાનો હક્ક સાબિત કર્યો : “છોડ : અત્યારે મારો વારો છે : મારી ખરીદેલ રંડી છે એ.”

કિસ્મતના અટ્ટહાસ જેવું આ દૃશ્ય દેખીને કંગાલ પોતે પણ હસ્યો. એનું હસવું એવું ભયાનક હતું કે ઈશ્કીને થોડા કદમ દૂર જ અટકવું પડ્યું.

બીજે બારણેથી એક પડછંદ દેહવાળી બાઈ દાખલ થઈ.

ઇશ્કીએ બરાડો પાડ્યો : “એ બાઈજી ! લાવ અમારા પૈસા પાછા –”

“શું છે ?” બાઈએ કંગાળને ડોળા ફાડી પૂછ્યું. એ કુટ્ટણી હતી.

“કંઈ જ નથી.”

“ત્યારે ? કોણ છો તું ?”

“ખાસ વિશેષ તો કોઈ નહિ; આનો સ્વામી જ છું.”

“એં-હેં-હેં હેં ?” બાઈએ હાથનો લટકો કર્યો : “સ્વામી ન જોયા હોય તો ! તું એનો સ્વામી ? ક્યાં ગયો એ પીટ્યો જેણે પોતાની વહુ કહીને આને આંહીં વેચી છે ?”

એ જ વખતે એક જુવાન આદમી ત્યાંથી સરી જઈને પછવાડે કમાડ પાછળ છુપાયો. કુહાડીવાળાની આંખોએ એને તપાસી લીધો.

“ચાલો, તોયા.” પુરુષે પત્નીનો હાથ ઝાલી ખડી કરી.

“એં-હેં-હેં ! વાર લાગે વાર ! એમ લઈ તે ક્યાં જાશે ?” કહીને કુટ્ટણી આડે ફરી : “વેચાતી લીધી છે. કાંઈ દાન નથી કરી ગયો પેલો નમૂછિયો.”

બીજી બૂમ પેલા ઇશ્કીની ઊઠી : “ને મારા પૈસા શું હું મૂકી દઈશ ?”