પૃષ્ઠ:Palkara.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ધરતીનો સાદ
123
 

કે રાજના ઘોડેસવારો કશીક છાપેલી ચિઠ્ઠી માતાને વડલે લગાવી ગયા છે.

ગામલોકને લઈ પટેલ ઝાંપે ગયો. વડલાનાં પાંદડાં વચ્ચેથી પ્રભાતનો તડકો ચળાતો ચળાતો દેવીના સિંદૂરવરણા પથ્થર ઉપર છંટાતો હતો.

“ધીરા રેજો ! કોઈ કાગળની ઢૂકડા જાતા નહિ.”

એવી ચેતવણી આપતો ગામપટેલ આખા ટોળાને પોતાના પહોળાવેલા હાથના વાંભ વતી રોકવા લાગ્યો, ને વડલાના થડ ઉપર ભયાનક સાપ બેઠો હોય તેવી બીકથી ગામલોકો તાકી તાકીને એ ચોડેલા કાગળ તરફ જોઈ રહ્યાં.

બોલાસ શરૂ થયો :

“આંહીં માતાને વડલે ખીલી ખોડાય જ કેમ ?”

“ખોડનારનું નખોદ નીકળી જશે, નખોદ.”

“હવે, ભાઈ, ખોડનારા તો એ હાલ્યા જાય લહેર કરતા, ને નખોદ તો આપણું નીકળી ગયું !”

“દેવસ્થાનોમાંથી સત ગયાં ઈ તો હવે, બાપા !”

“એ ના, ના; માણસમાંથી દૈવત ગયાં એટલે પછી દેવસ્થાનોમાં સત રે’ ક્યાંથી ? સાચું સત તો લોકનું દૈવત લેખાય.”

ગામનો પટેલ આગળ વધ્યો. પણ કાગળિયો એને ઊકલ્યો નહિ. એણે બૂમ પાડી : “કોઈક ગામોટને બોલાવો. ઈ વાંચી દેશે.”

પાંચિયો ગામમાં દોડ્યો ગયો. થોડી વારે પુરોહિત આવી પહોંચ્યા. એણે વાંચીને કહ્યું : “સરકારી જાહેરનામું છે. માંહી લખેલ છે કે ખેડૂતો રહે છે તે ખોરડાં ને વાવે છે તે જમીન રાજમાલકીની છે. વસ્તીને તે જમીન અમે ભાડે આપેલ છે. માટે ‘રાખ્યા રહીએ ને કાઢ્યાં જઈએ’, એવું ખત કરી દેનારને જ રહેવા દેવામાં આવશે. બાકીનાં તમામ ઘરબાર ને જમીન ખાલી કરી આઠ દિવસમાં નીકળી જવું. ન નીકળનારને સજા થશે.”

જાહેરનામું સાંભળીને તમામ જણાએ એકબીજાની સામે જોયું. વાતો ચાલી :