પૃષ્ઠ:Palkara.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
124
પલકારા
 

“આ શો ગજબ ?”

“આવું તે કંઈ હોય ?”

“આપણને પૂછ્યાગાછ્યા વિના રાજ શું જમીન દરબાર દાખલ કરશે ?”

“હવે તું મોટો જાટલીમૅન, તે તને પૂછવા બેસશે રાજ, એમ કે ?”

“પણ – પણ - પણ,” પટેલ કાગળિયા સામે તાકીને જાણે કે એમાં સહી કરનાર અધિકારીને સન્મુખ કલ્પી સંભળાવવા લાગ્યો : “પણ આ ખોરડાં ને આ જમીન તો અમે, અમારા બાપ, તેના બાપ, તેના, તેના, તેના, તેના ય બાપ, ને તેની યે મોરૂકા અમારા વડવા વાપરતા આવેલ છે. તે દી તો રાજ નો’તું આંહીં. મારા મોટા દાદાનો તો પાળિયોય હજી ઊભો છે ઇ ખેતરને શેઢે. અમે રોજ સાંજે ત્યાં દીવો પ્રગટાવીએ છીએ - ને ઇ જમીન દરબારની ક્યાંથી થઈ ગઈ પણ ?”

એકાએક એ બોલતો અટક્યો. એણે ઝટ દોડી જઈને પોતાના દીકરાનો હાથ જાહેરનામા ઉપરથી ઉઠાવી લીધો : પૂછ્યું : પાંચિયા, શું કરછ ?”

“ફાડી નાખીશ.”

“શા સારુ ?”

“માતાને વડે અમારે રોજ ઓળકોળાંબો રમવા ચડવું જોવે. ત્યાં આડો કાગળિયો નો ફાવે.”

પુત્રનું કાંડું પકડીને પટેલ જ્યારે ગામ તરફ વળ્યો, ત્યારે ઝાંપામાં જ ડાઘુઓનું ટોળું મળ્યું. મોખરે ચાલતા માણસના હાથમાં રાજના ઘોડેસવારની હડફેટે પ્રાણ હારેલા બાળકની લાશ લબડતી હતી. પછવાડે એ બાળકની મા પછાડીઓ ખાતી દોડી આવતી હતી. બીજી બાઈઓએ એના હાથ ઝાલ્યા હતા.

ઝાંપે સહુ લોકો નિઃશબ્દ ઊભાં થઈ રહ્યાં. પનિયારીઓએ ભર્યાં બેડાં ઝાંપે જ ઢોળી નાખ્યાં.

“હું-ઉ-ઉ-ઉં !” ચોરાની કૂતરીના રુદનધ્વનિ સંભળાતા હતા. એના