પૃષ્ઠ:Palkara.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ધરતીનો સાદ
127
 

કર્યો.

“માબાપ ! અન્નદાતા !” પટેલના કંગાલ મોંમાંથી પહેલા જ પ્રથમ આ ઉચ્ચાર પડ્યા : “અમે કાવતરાખોર નથી, રાજનાં બચળાં છીએ. અમારે સામાં નથી થવું, ખોળે માથું મેલવું છે અમારે.”

“પંચાત મૂક. મુદ્દાસર જે કહેવું હોય તે કહી નાખ.” સૂબાએ એટલું કહીને સિગારેટના ધુમાડા ગગન પ્રતિ ફેંક્યા.

“અન્નદાતા, અમેય માણસ છીએ. અમને ગુલામ તો બનાવ્યાં, પણ હવે – હવે અમને કુત્તા મા બનાવો. અમારે અમારા કુબા તો રે’વા દ્યો. અમને ઇન્સાન તો રે’વા દ્યો.”

બોલતાં બોલતાં પટેલનાં જર્જરિત આંગળાં કાંપતાં હતાં. એના હાથ વારંવાર લલાટ સુધી ઊંચકાઈને સલામો ભરતા હતા. એની આંખો દિલસોજ ઉત્તરની રાહ જોતી અટારી સામે તાકી રહી.

બૈરાં-છોકરાં, બુઢ્‌ઢાં ને આજારો હાકેમના હોઠ સામે જોતાં હતાં. એ હોઠ ઉપર મલકાટ હતો. બેઉ હોઠની રચાયેલી નળીમાંથી મીઠા ધુમાડાની ફરફર નીકળતી હતી.

“અહીં દલીલ કરવા, ચાબાઈ કરવા આવ્યો છે કે ?” હાકેમે આંખ બદલી : “તારી કાકલૂદીથી કાયદો બદલવા બેસવું, એમ કે ? ઘેરે ચાલ્યા જાવ છાનામાના.”

“બીજું તો કંઈ નહિ, પણ ફક્ત આટલું –” બોલતાં બોલતાં એ પટેલના હાડપિંજરે નીચે નમી ધરતી પરથી એક ધૂળની ચપટી ઉઠાવી; “ચપટી ધૂળ તો અમારે નસીબે રે’વા દ્યો ! અમારા જમીન ને અમારાં ભીંતડાં રૂપી આ ચપટી ધૂળ જ ફક્ત –”

ધૂળની ચપટીને એણે કપાળે અડકાડી.

“ફોજદાર !” સૂબાએ અવાજ દીધો. “ઇસ્કુ લે જાવ. પચીસ ફટકા લગાવ.”

પટેલને પકડીને સૈનિકો સામેના એક લીંબડા નીચે લઈ ગયા. એના બઉ હાથનાં કાંડાને એક રસી વતી લીંબડાની ડાળી જોડે જકડી લીધાં,