પૃષ્ઠ:Palkara.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
128
પલકારા
 

ને પછી ફોજદારે કોરડો ઉઠાવ્યો.

“છે કોઈ હવે ?” સૂબો ધુમાડાનાં ગૂંચળાંનો એક મિનારો રચતો જવા મોં મલકાવીને ટોળાને પૂછવા લાગ્યો : “છે હવે કોઈ તમારો જણ, કે જેને ઇન્સાન તરીકેનો દાવો નોંધાવવો હોય ?”

ટોળાનાં તમામ માથા ભોંય ભણી ઢળ્યાં.

“કોઈ જો હોય મરદબચ્ચો તો નીકળે બહાર.”

એટલું કહેતાની વાર તો માનવ-સમૂહ તેતરનાં ટોળાની માફક ભરરભટ કરી અલોપ બન્યો.

ને એ ચાલ્યા જતા ખેડૂતોની પાછળ ભયાનક ચીસો દોટ દેતી હતી. એ હતી કોરડા ખાતા પટેલની વેદના-ચીસો. એના બરડામાંથી ચામડી ચિરાઈ હતી. લોહી ચાલ્યું જતું હતું. ચીસો પડતી હતી : “ઓ બાપ ! ઓ માડી ! બસ કરો ! બસ કરો !”

બાજુમાં પાંચિયો ઊભો હતો. એણે બાપની આ હાલત નજરોનજર દીઠી. પણ એ ચૂપ હતો. એ ઊભો જ રહ્યો.

પંદર મિનિટ પછી એ નિર્જન ચોગાનમાં પટેલના શરીરને છોડી નાખવામાં આવ્યું. ચીસો તો ક્યારની બંધ થઈ ગઈ હતી.

ફોજદારે પટેલના દેહને હચમચાવ્યો. “ઊઠ, ઊઠ હવે, ઢોંગી !”

શરીર નિશ્ચેતન જ રહ્યું.

પાંચિયો નજીક ગયો. એની સામે કોઈનું ધ્યાન નહોતું.

“એલા !” ફોજદારે બીજાને કહ્યું : “આ કેમ મુડદાલ જેવો બની ગયો છે ?”

“બેટાનું જોર જીભમાં જ હતું ને ! બરડો તો બેઇજ્જતી કરે તેવો કમજોર નીકળ્યો.”

ત્રીજાએ એની છાતીએ કાન મૂકીને કહ્યું : “એલા એય, બેટો મરી ગયો લાગે છે.”

સહુએ આવી આવીને પટેલની નાડ, આંખ, છાતી વગેરે તપાસ્યા. સહુ એકમત બન્યા : “હા, પતી ગયો.”