પૃષ્ઠ:Palkara.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
132
પલકારા
 

બરતરફ થયેલા નોકરિયાતો, તમામને પાંચાના નામનો પાનો ચડ્યો, પાંચો લૂંટારો ટોળી જમાવે છે; હાલો પાંચાની ટોળીમાં મુલકને ધમરોળી ખાશું : ને વળી આપણા પોતપોતાના અદાવતિયાઓ ઉપર વેર પણ વાળશું.

ઘણાને લૂંટફાટના સાહસિક જીવનનો મોહ લાગ્યો.

આળસુઓને અંગેઅંગે તરવરાટ ઊઠ્યો, હતાશોને ચાનક ચડી,

શકદારો, તહોમતદારો અને વગર પરવાને હથિયાર સંઘરનારાઓ મોટા ડુંગરા ભણી વળ્યા.

અઢાર વરસના પાંચિયાએ સારી એવી ફોજ બાંધી.

લાયને બદલે લાય : લૂંટને સાટે લૂંટ : ખૂનની સામે ખૂન : એ સાદો કાયદો સ્વીકારીને પાંચિયો ઊઠ્યો. રાજના સત્તાધીશોએ જ્યાં જ્યાં આગ, લૂંટ કે મારફાડ કરી હતી, ત્યાં ત્યાં જઈ થાણાં બાળ્યાં, તિજોરીઓ લૂંટી, નોકરોને માર્યા.

દેશ થરથર્યો.

[4]

“ચળવળખોરોને હાજર કરો.” ન્યાયમૂર્તિએ આદેશ દીધો.

રસીથી બાંધેલા ને હાથકડી જડેલા એ સાત જણાઓને અદાલતમાં ઊભા કરવામાં આવ્યા.

આવી હંગામી અદાલતો રાજસત્તાએ ગામોગામ ઉઘાડી હતી, બેકાર રઝળતા ‘એલએલ.બી.’ઓ ને ‘હાઇ કોર્ટ પ્લીડરો’ હોંશે હોંશે એ હંગામી કોર્ટોના ન્યાયદાતાઓ તેમ જ પબ્લિક પ્રોસિક્યુટરો નિમાઈ આવ્યા હતા. પાંચાની ટોળીમાં ભળવા ગયેલા ભામટા, જોગટા ને મવાલીઓના વર્ગે જ આ અદાલતોને પણ ફોજદારો ને જમાદારો પૂરા પાડ્યા હતા. અદાલતી કારોબાર તદ્દન સાદો સરળ કરી નાખવામાં આવ્યો હતો, એટલે કાયદાપોથીના જ્ઞાનની ખામી નહોતી જણાતી.

પોલીસ અધિકારીઓને ફક્ત થોડા જ શબ્દો કંઠસ્થ કરવાના હતા : ચળવળખોર : રાજ વિરુદ્ધ કાવતરું : ટોળી : જાહેર સુલેહનો ભંગ : શકદાર ઇસમ : વગેરે.