પૃષ્ઠ:Palkara.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ધરતીનો સાદ
133
 

“આ સાત ઇસમોએ રાજ વિરુદ્ધ ચળવળ ચલાવી છે, ને નામવર, રાજાધિરાજની કાયદેસર સ્થાપિત સત્તાને ઉથલાવી પાડવાનું કાવતરું કર્યું છે; માટે મહેરબાન જ્યૂરીના મેમ્બર સાહેબો !–"

એટલું કહીને ન્યાયમૂર્તિ બીજી બાજુએ બેઠેલા પાંચ અમીરી ઢબના પોશાકમાં શોભતા સજ્જનો તરફ વળ્યા.

પાંચેય જણાએ ગંભીર મુખમુદ્રા ધારણ કરીને પોતાનો નિર્ણય જણાવ્યો કે “ભયાનક કાવતરું કરવાના ગુના બદલ સાતેયને અમે દોષિત ઠરાવીએ છીએ.”

“તમારે કશું કહેવું છે ?” ન્યાયમૂર્તિ સાતે આરોપીઓ પ્રત્યે વળ્યા.

સાતેય જણાએ પોતાની માતા પૃથ્વી તરફ મીટ માંડી.

ન્યાયમૂર્તિએ મેજ પર હથોડાના ત્રણ ટકોરા દીધા. કાળી ટોપી પહેરી લીધી ને – ને ફાંસીના ગાળિયા તો બાજુનાં ઝાડની ડાળીએ જ તૈયાર લટકતા હતા

એ ગાળિયા તરફ સાતેય ખેડૂતોને વળાવી દઈ, તત્કાળ ન્યાયમૂર્તિએ બૂમ પાડી કે “ચાલો, બીજો કેસ …ગામનો. ત્યાંના ચળવળખોરોને હાજર કરો. ચાલો જલદી. સાંજે પાછા અમારે શહેરમાં યુવરાજશ્રીના નવા કુમાર સાહેબને માટે ઝબલું-ટોપી લઈને જવાનું છે.”

“જી હા.” જ્યુરીના સભ્યો બોલ્યા : “અમારે પણ આવવું છે.”

“આપ નામદારની ગાડીમાં –” પબ્લિક પ્રોસિક્યુટરે નમીને કરુણા સૂરે કહ્યું : “જો જગ્યા હોય તો સેવકને પણ –”

“હા, બેસી જજો. પણ હવે આ પંચાત જલદી પતાવો; લાવો. બીજા કેસના આરોપીઓ ક્યાં છે ?”

“હાજર છે, સા’બ !” એવો એક જવાબ સંભળાયો. ને એ શબ્દોના જોરદાર ઘોષે જજ-જ્યુરીને ચમકાવ્યા.

સહુએ ઊંચે જોયું. બારણાની અંદર બંદૂકોની નાળો દીઠી, બંદૂકો પાછળ ખાખી લેબાસવાળા અજાણ્યા શખ્સોની ઠઠ ઊભી છે. આગેવાનના માથા પર લીલા મશરૂનો મોડબંધ છે, હાથમાં લીલો નેજો છે. છાતી પર