પૃષ્ઠ:Palkara.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
134
પલકારા
 

જનોઈબંધ કારતૂસ-પટ્ટો છે. કમ્મરબંધમાંથી તમંચો, કટાર અને ચાકુ ડોકાય છે.

બહાવરા બનેલા ન્યાયકર્તાંઓને એણે ફરીથી કહ્યું : “હાજર છીએ, સાહેબો ! હવે મે’રબાની કરીને ત્યાંથી ખસશો મા. અમે તમામ જાપ્તો કરીને જ આવ્યા છીએ.”

ડઘાઈ ગયેલા ન્યાયમૂર્તિએ હાથ ઊંચા કર્યા.

“ફૂંકી નાખો ઝટ !” ટોળીના અગ્રેસરની પછવાડેથી એક અવાજ પછડાયો.

“હવે છાનો મર !” જુવાન અગ્રેસરે હાથનો પંજો છટકોરીની પોતાની પછવાડે રુઆબ છાંટ્યો.

ન્યાયમૂર્તિએ હજુ પોતાનો દરજ્જો ન ભૂલી શકાતો હોઈ ઉચ્ચાર કાઢ્યા, “તમે અમને એમ કેમ ફૂંકી શકો ! કાયદેસર તમે એમ નથી કરી શકતા. અમે કંઈ ચળવળખોર નથી. અમારા પર રીતસર મુકદ્દમો ચલાવવો પડશે.”

“લે, સાંભળ !” આગેવાને પોતાની પછવાડેથી ‘ફૂંકી નાખો’ બોલનાર સાથીને કહ્યું : “સાભળ્યું ! આપણાથી આ બચાડાઓને એમ તે કાંઈ ફૂંકી શકાય નહિ. અલબત્ત નહિ જ; એના ઉપર રીતસર મુકડદમો ચલાવવો જોવે, ભાઈ ! હાલો, હવે આપણે મુકડદમો ચલાવીએ.”

આગેવાન પોતાની ટોળી તરફ વળ્યો. એક જણને કહ્યું : “ભેરુ, તું ઠીક છો. તારી ફાંદ મોટી છે. તું થા ન્યાયધીશ. ચાલ, આ ઊંચી ખુરશીએ બેસી જા; બેસ ઝટ !”

“ને તું,” બીજા તરફ ફરીને કહ્યું : “તું થા ફુલેસ ફોજદાર. આમ ઊભો રે’.”

“ને હું બનીશ આ આરોપીનો વકીલ. હું ખુદ પાંચિયો જ એનો બચાવ કરવાનો. આપણે અનિયા નથી કરવાનો, હો ભાઈઓ !”

“પણ પાંચાભાઈ, જૂરી કોણ થાહે, જૂરી ?”

“અલ્યા, હોવે, જૂરી તો જોશે જ તો. જૂરી કોને કરશું ?”