પૃષ્ઠ:Palkara.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ધરતીનો સાદ
135
 

આગેવાન વિચારમાં પડયો. વિચાર કરતાં કરતાં તેને અતિ શ્રમ પડ્યો હોય તેમ જણાઈ આવતું હતું. કપાળેથી પસીનો લૂછવા લાગ્યો. એના મોંમાંથી આરામ માગતી નિઃશ્વાસ-ફૂંકો નીકળવા લાગી.

“આટલી બધી વાર ?” એક સાથી હસ્યો : “મેં તો આટલામાં દસ જૂરી ઠરાવી દીધી હોત, પાંચાભાઈ.”

“ઊભા રો’ ! ઊભા રો’ ! ભાઈઓ !” એણે સાથીઓને ધીરજ આપી : “આપણા આ બધા જડજ બાલિસ્ટર સાહેબોને જે ઘડીએ કશું ખાસ યાદ કરવું હોયને, તે ઘડીએ તેઓ આવો કશોક કારહો કરે છે. એ… જોવો આમ.”

એ નીચે બેઠો. એણે ટેબલ પરથી કલમ લીધી, કલમને લમણા સાથે ટેકવી વિદ્વાનની છટાથી બેઠો. સાથીઓને પૂછ્યું : “ખરું કે નહિ ?”

“ખરું, એક લંબર, પાંચાભાઈ ! લે, હવે ઝટ કર !”

“હા, હવે સાંભર્યું. અલ્યા ભાઈઓ !” પાંચો સાથીઓ ત૨ફ ફર્યો : “ઝાડની ડાળે ગાળિયામાં ઓલ્યા સાત જણ ઝૂલે છે ના, ઈ સાતેયને અહીં ઉતારી લાવો. આપણા ઈ સાતેય ખેડૂતભાઈઓ આપણી જૂરી, પાંચ ઉપર બે જણ લટકાના. લઈ આવો ઝટ સાતેય જણને કે’જો કે હવે બહુ ઝૂલ્યા ! હજી અખાત્રીજ તો આઘી છે, ને આંહીં ઇન્સાફ કરવો છે. ગેરઇન્સાફી કામ નથી કરવું. ખબર છે ? આ તો રાજના મોટા થાંભલા કે’વાય. એમણે આજ લગી બધું કાયદાની બારીકાઈથી જ કરેલું છેને, હે-હે-હે-હે.”

બહારવટિયાનું ભયાનક હાસ્ય એ જજ, જ્યૂરી તથા પબ્લિક પ્રોસિક્યુટરના વિચારોને કોઈક અકળ ઇન્સાફની કલ્પનામાં ખેંચી જતું હતું.

ત્યાં તો એક પછી એક સાત મુડદાને ઉપાડીને એ ઠેકાણે લાવવામાં આવ્યાં.

સાતેય લાશોની આંખો ફાટી ગઈ હતી. મુર્દા જાણે જોતાં હતાં.

“આવો ! આવો ! હેં-હેં-હેં-હેં, ભાઈઓ ! આવો !”

બહારવટિયાએ સાતેય લાશોની સામે આવકાર-શબ્દો બોલી ટૂંકું હાસ્ય કર્યું. સભામાં ઘોર વાતાવરણ છવાયું.