પૃષ્ઠ:Palkara.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
138
પલકારા
 

“એ જ ગાળિયા નાખો એના ગળામાં. લટકાવી દ્યો આ નવેયને એ જ ઝાડની ડાળે. મુલક બધો ભલે જોવે. પંદર દા’ડા લગી લાશો ઉતારશો મા, ભાઈઓ ! લઈ જાવ આ સાહેબોને.”

– ને ન્યાયાધીશના અવાજમાંથી રુદન ફાટી ગયું, “હું-ઉ-ઉ-ઉ ! ઈન્સાફ ! મને, મને ઇન્સાફ આપો ! મેં કાયદેસર કરેલ છે. મને ઇન્સાફ !”

પાંચાનો કંઠ બદલી ગયો. એણે કાળવાણી કાઢી : “ઉઠાવી જાવ આ લાંબી જીભવાળાને. અને આજ પછી કાયદો પાંચાનો પળાશે. ટૂંકો ને પાધરો કાયદો. એક એક માથા દીઠ ગણી ગણીને બબે માથાં ઉડાવો. મારા બાપની કાયા જે દા’ડે પડી, તે દા’ડાથી આજ લગીનાં લેણાં વસૂલ કરો. ન કરો તો તમને મોટા દેવના કસમ છે, ભાઈઓ !”

“જે ! પાંચાભાઈની જે !” લૂંટારુ ફોજનો હર્ષ-લલકાર ગુંજી ઊઠ્યો.

એક સાથીએ આવીને ખબર દીધા : “પાંચાભાઈ ! હવે ઝટ નીકળી જાયેં. રાજની ફોજની ખેપટ ઊડે છે રસ્તે.”

“લ્યો સલામ, ભાઈઓ ! સાતેયને સલામ છે. ત્યાં માલિકને દરબાર મળશું. ને જુવો, તમારાં બાળબચ્ચાંની ફિકર કરશો મા. મોજથી રે’જો ત્યાં.”

એટલા શબ્દો સાથે જૂરી ઠરાવેલી સાતેય લાશોને સલામ કરીને પાંચો બહાર નીકળ્યો.

એની આંખોને એ જોરથી ચોળતો હતો. એના કપાળ પર સ્વેદ બાઝી ગયાં.

મર્દની આંખ નથી રડતી. મર્દનું તો લલાટ રડે છે.

સભાગૃહમાં સૂનકારને રહેવા દઈ લૂંટારુ ફોજે ગામ છોડ્યું ત્યારે ભાગોળના ઝાડે નવ રાજમાન્ય પુરુષોની લાશો લટકતી હતી.

ઘોડા પરથી પછવાડે નજર કરતો પાંચો બોલતો ગયો કે “એ હેઈ ભાઈબંધ પવન ! એ નવે જણાને ખૂબ હીંચોળજે.”

“ગામોગામ આવાં લીલાં તોરણ બાંધશું, પાંચાભાઈ !” કહીને સાથીઓ પોતપોતાના ઘોડાઓની પીઠ પર કૂદકા મારવા લાગ્યા.