પૃષ્ઠ:Palkara.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ધરતીનો સાદ
139
 

[5]

રાજસત્તાનું જોર બે ભાગમાં વહેંચાઈ ગયું. ડુંગરામાં લૂંટારાઓ હતા. ને પ્રજાની વચ્ચે એક રાષ્ટ્રપક્ષ જાગ્યો હતો. કાયદેસર જુંબેશ કરનારા એ રાજદ્વારી રાષ્ટ્રદળને રાજસત્તાએ જ્યારે ગૂંગળાવવા માંડ્યું, ત્યારે એ દળની શક્તિ ઊંડાણે ઊતરી ગઈ. ત્યાં ભૂતલમાં એની સુરંગો ગળાવા લાગી.

એનો આગેવાન ‘ભાઇજી’ ને નામે ઓળખાતો હતો. ‘ભાઇજી’ છૂપું જીવન જીવતો, લોકોની જેભ પર ‘ભાઇજી’ શબ્દના ઉચ્ચાર સાથે અમૃત ઝરતું, ‘ભાઇજી’ની છબીઓ લોકો દાણાની કોઠીમાં સાચવતાં, ને અધરાતે પોતાનાં બચ્ચાંને બતાવતાં.

‘ભાઇજી’ છૂપો વિપ્લવ લડી રહ્યા હતા. રાજસત્તાની સામે સુવ્યવસ્થિત લોકસત્તાના યંત્રો એણે ચલાવ્યાં હતાં.

‘ભાઇજી’નું રાજતંત્ર ગામડે ગામડે ગોઠવાયું હતું. ન્યાયપંચો, કરવેરાનું વસૂલાતી ખાતું, કેળવણી, વગેરે અનેક ખાતાં ‘ભાઇજી’ તરફથી કામ કરી રહ્યાં હતાં.

ફક્ત એક કમીના હતી, લશ્કરની, ‘ભાઇજી’ના સ્થાપેલા સેનાપતિની પાસે વ્યૂહરચના તૈયાર હતી. રાહ જોવાતી હતી ફક્ત સૈન્યની.

બહારવટિયો વિસ્મય પામતો. આ ‘ભાઇજી’ની ખ્યાતિ સાંભળ્યા કરે છે, પીડિત ખેડૂતોને દાણા મોકલનાર આ દાતાર કોણ છે ? કેવોક શાહુકાર છે ? એના નામની માનતાઓ શા માટે ચાલે છે ? જાતને જોખમે પણ વસ્તી જેનાં છૂપાં છપાતાં પતાકડાં વાંચે છે તે આદમીમાં શી દૈવી ચમત્કૃતિ ભરી હશે ? એના નામ ખાતર સેંકડો જુવાનિયા ફ્રાંસીએ ચડે છે, એવો તે શો ઇલમ છે ? વૈરની વસૂલાત સામી હત્યા કરીને ન લેવી એવું અવળું ભણતર પ્રજાને ભણાવનાર આ કેવી વિચિત્ર આદમી છે ? કારતૂસના પટ્ટા અને બંદૂકો આપવાને બદલે લોકોને ‘ચોપડિયું’ શાની વંચાવી રહેલ છે ? સગા બાપુની હત્યા કરનારને આપણે શું જીવતો જવા દેવો ? હ-હ-હ-હ, એક દા’ડો મળવું પડશે આ માનવીને.

*