પૃષ્ઠ:Palkara.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
6
પલકારા
 

સાહેબની આંખોની જ્યોત ક્રમે ક્રમે ઠંડી પાતળી પાડી હતી ? તે કહેવું કઠિન હતું. ઉપરાંત ચશ્માંનો નંબર ચડે છે કે ઊતરે છે એ નક્કી કરવાની માથાફોડમાં માસ્તરસાહેબ નહોતા ઊતરતા. એ કરતાં તો ચશ્માં પોતાના નાકની દાંડી ઉપર ઊંચા નીચાં કરી લઈ, કોઈ એક ગવૈયો સારંગીના પડદાને જેમ બંધબેસતા કરે તેવી અદાથી માસ્તર સાહેબ પણ છેલ્લાં છ વર્ષોથી એ-નાં એ ચશ્માંને ચલાવ્યા કરતા. જ્યારે જ્યારે વાંચવા-લખવામાં અડચણ નડતી ત્યારે એ પોતાની આંખોનો જ દોષ ગણી લેતા – ઓરડાનો કે ચશ્માંનો નહિ; અને સાંજના વખતમાં વીજળીની બત્તી ચેતાવતા.

ક્લાસમાં માસ્તર સાહેબના આવવા સાથે જ તેર-તેર વર્ષના પચાસ છોકરાઓનો સમૂહ પ્રગટ ગડદાપાટુ બંધ કરીને ગુપ્ત ઠોંસાબાજીમાં સરી પડયો; અને બંધ થયેલી જીભોનું જોર બાંકડા નીચે ઊતરી જઈ પગની મસ્તીમાં ભરાયું. સહુ ડાહ્યાડમરા બની બેસી ગયા.

ઊંચી વ્યાસપીઠ પર ચડીને માસ્તર સાહેબે ટેબલ પર ચોપડીઓનો ખડકલો મૂક્યો. ટોપી ઉતારી, ને એમના રૂમાલે આંખો, નાક, મોં તથા ચશ્માં લૂછ્યાં. અને ગામડાનો પશુપાલક માલિક જેમ ઘેર આવીને તુરત જ કારણ હોવા-ન હોવા છતાં ગમાણમાં કે કોઢમાં આંટો મારી આવે તેવી મમતાથી માસ્તર સાહેબે મોટા બ્લેકબૉર્ડ પર જઈ નજર કરી.

છોકરાઓમાં ખીખિયાટા ચાલ્યા. માસ્તર સાહેબે ચશ્માં જરા દૂર રાખીને નિહાળ્યું. કોઈએ ગધેડો ચીતર્યો હતો. શરીર ગધેડાનું, મોં માસ્તર સાહેબનું.

માસ્તર સાહેબે ઉગ્ર બની ક્લાસની સામે નજર કરી. ક્લાસના 49 છોકરાઓએ ક્લાસને છેડે છેલ્લી પાટલી પર બેઠેલા એક છોકરા તરફ નજર નાખી. એ છેલ્લા બેઠેલા છોકરાના મોં પર વિનય, શાંતિ ને ડહાપણ તરવરતાં હતાં.

“વેલ, વેલ, વેલ, છોકરાઓ !” કહીને લાચાર હાસ્ય કરતા માસ્તર સાહેબે ધીરે ધીરે ધીરે પાટિયા પરનો ગધેડો ભૂંસી નાખ્યો. પછી પોતે ખુરસી પર બેસવા ગયા. પૂરું બેઠા-ન બેઠા ત્યાં તો સિસકારો કરીને ખડા થઈ