પૃષ્ઠ:Palkara.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ધરતીનો સાદ
143
 

કોઈ વેષધારી જ લાગેલા. નીકર તો હું ત્યાં ને ત્યાં ફાટી ન પડ્યો હોત ?”

“મારે માટે શું દુનિયા આવું માને છે ?” બહારવટિયાએ બે હાથે લમણાં દબાવી રાખ્યાં.

“માને જ છે તો.” છાપાવાળાએ એના લમણામાં ઘણ માર્યો જાણે.

પાંચાને કપાળે પસીનાની મોતાવળ બંધાઈ ગઈ.

“આવું જૂઠાણું શીદ છાપે છાપાં ?”

“સાચું ન મળે તો પછી કાં’ક છાપવું તો જોઈએ જ ના, ભાઈ !” પત્રકારે ઠાવકે સ્વરે કહ્યું : “કાંઈ કોરાં પાનાં વેચાય છે ?”

“સાચું.” પાંચાને જાણે કે સત્ય લાધ્યું : “બાપડાથી કાંઈ કોરાં પાનાં થોડાં વેચાય છે ?”

“ને જો પાનાં કોરાં રીયે ને, પાંચાભાઈ, તો શું બને ખબર છે ને ? –” કહીને છાપાવાળાએ ગજવામાં હાથ નાખ્યો. એક પરબીડિયું કાઢ્યું. અંદરથી એક કાર્ડ સાઇઝની તસ્વીર કાઢી પાંચાને બતાવી.

“હા રે હા !” હર્ષ અને વિસ્મયનો ધીરો સ્વર કાઢતો બહારવટિયો નીરખી નીરખી જોવા લાગ્યો : “અ-હા-હા-હા ! આ કોણ ? આ એક ઇથી નાનું આ બીજું, ઇથી નાનું, ઈથીયે નાનું ને ઇથીયે નાનું રાભડિયું આ છોકરું : હારબંધ પાંચ છોકરાં, હા-હા-હા-હા ! હડેટ હોમ ! જાણે હું પરેડ કરાવું એવાં પાંચ !”

“– એ બધાં તૂખે મરી જાય.”

“ભૂખે મરી જાય ! શા સારુ ?”

“મને નોકરીમાંથી રજા મળે.”

“તે આ પાંચેય મરી જાય ? આ કોણ છે ? તારાં છૈયાં છે ?”

છાપાવાળો મરકી રહ્યો, બહારવટિયાની આંખો ઘડી છાપાવાળા સામે તો ઘડી છબીની સામે એમ ચાવી આપેલ યંત્રની માફક દોડાદોડ કરવા લાગી.

“હા, હા, ચહેરા-મોરા બરાબર મળતા આવે છે. પાંચ છોકરા તારે ? વાહ પરવરદિગાર ! વાહ ! વાહ ! તકદીર ! કેવાં સુંવાળાં પાંચ બચ્ચાં !”