પૃષ્ઠ:Palkara.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
144
પલકારા
 

પાંચાનો પંજો તસ્વીર પર લસરવા લાગ્યો. રખે જાણે પોતાનો બરછટ હાથ એ બચ્ચાના ગાલ ઉપર ખરડાશે, એવી બીકે એ પોતાની હથેળી તપાસતો જાય છે.

“વાહ !” કહીને એણે છાપાવાળાની દાઢી પર હાથ ફેરવ્યો. ત્યાં તો ત્રણ દિવસનાં ભાલાં ઊગી નીકળેલાં હતાં. હસીને બહારવટિયાએ કહ્યું : “ક્યાં તારું કરવત જેવું કાઠું, ને ક્યાં આ તારાં બચ્ચાંના મુલાયમ ગાલ ! ઓ હો હો હો !”

તસવીર પર એની હથેળી સુખસ્પર્શ પામતી હતી.

“ત્યારે હવે આ બચ્ચાં જીવતાં રહે, ને આપણી બાબતમાં દુનિયા સાચી વાત જાણે, એવું કાં’ક કર ને, મારા દાદા ! કર ને, મારા દિલોજાન ! નીકર પાંચાની લાશ ઉપર ખલક થૂ થૂ કરશે, યાર !”

એવું કરગરતો ડાકુ છાપાવાળાને પંપાળવા ને હલાવવા-ફુલાવવા લાગ્યો.

આખર નક્કી થયું કે છાપાવાળાએ રોજ એક ‘ડિસ્પેચ’ લખવો, એ પાંચા કને વાંચી સંભળાવવો, વાંચ્યા પછી ઇમાન ઉપર બોલવું કે બીજું કંઈ લખ્યું નથી. ને એને આ રાજ્યના સીમાડા બહારથી પોસ્ટમાં લાગુ પાડવા ડાકુએ ઘોડેસવાર દોડાવવો.

પછી તો વર્તમાનપત્રીના ગજવામાં ચોટેલી બે-ત્રણ ફાઉન્ટન પેનોએ ને લાલ, વાદળી, કાળા રંગની પેનસિલોએ કાગળ ઉપર દોટાદોટ મચાવી દીધી. કૅમેરાની ચાંપોને આરામ ન રહ્યો. વર્તમાનપત્રી ચિત્રકાર પણ હતો, થોડું થોડું તમામ વાતનું ડહાપણ ડોળી જાણતો, એટલે એણે પાંચાના ભાતભાતના પેનસિલ-સ્કેચો પણ કરી મોકલ્યા.

પાંચો ગામ ભાંગે છે ત્યારે ફુલેકે કેમ ચડે છે; દાંડિયા-રાસ ને ચોકારો કેમ લ્યે છે; ગરીબ-ગુરબાંને, ઓરતો ને બચ્ચાંને કેવી ખેરાત વહેંચે છે; વેપારીઓના ચોપડા કેવી તરેહથી સળગાવે છે, તેનું સચિત્ર બયાન દૂરદૂરના નગરે છાપે ચડવા લાગ્યું.

એ છપાયેલા છાપાંના બીડા પણ પહાડમાં પહોંચતા થયા.