પૃષ્ઠ:Palkara.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ધરતીનો સાદ
145
 

ડાકુની ટોળીને તો આ છાપાવાળાની ઈલમબાજી જોઈ જોઈ વિસ્મયનો પાર ન રહ્યો.

બહારવટિયો ને વર્તમાનપત્રી બેઉ દિલોજાન દોસ્ત બન્યા.

[7]

કોઈ કોઈ વાર બેઉ એ કહેતી ૫ડીને ખળખળ વહેતી ઝરણીને કિનારે જાંબુડાના ઝાડની ઘટામાં બેસતા. હરિયાળી ધ્રો ઉપર દેહ લંબાવી પડ્યા પડ્યા ગુફત્તેગો કરતા, ને છાપાવાળો પોતાની ઓરતતનો નવો આવેલો પત્ર વાંચી સંભળાવતો.

“હેં-હેં-હેં !” પાંચાના મોં ઉપ૨ અનંત ખુશાલીભર્યું ગભરુ હોય છવાતું. “શું તારી ઓરત મનેય સલામ લખાવે છે ? મને એણે ‘ભાઈ’ કહી મોકલ્યો છે શું ?”

“ને આ રાખડી મોકલી છે.”

પત્રકારની સ્ત્રીએ રેશમી દોરામાં મોતી પરોવીને એક રાખડી મોકલી હતી. તે જ્યારે પત્રકારે ડાકુના પંજા પર બાંધી ત્યારે દોરો એના કાંડાને ટૂંકો પડ્યો.

“સાળું આમ કેમ થયું ?” પત્રકાર વિમાસણમાં પડ્યો, “મેં ડાયામીટરનું માપ તો બીડ્યું હતું !”

બહારવટિયો કશું સમજ્યો નહિ, પૂછ્યું : “મૂંઝાણો છો કેમ ?”

“ભાઈ ! દુ:ખ તો એ છે કે તારા જેવું ધીંગું કાંડું મારી બાયડીની કલ્પનામાં જ ક્યાંથી આવે ?”

“શું હું એવડો બધો ધીંગો છું ?”

પાંચો પોતાના બદન પર જોઈ જોઈ, મોં બગાડવા લાગ્યો. “સાળું, આ તે હું ગોધો છું કે ઇન્સાન ?”

“ઉપરથી ગોધો, અંદરથી ઇન્સાન !” છાપાવાળાએ કહ્યું.

આખરે જેમ તેમ કરીને રાખડી બાંધવામાં આવી; બહારવટિયાએ કહ્યું : “બસ, હવે ફિકર નહિ, બોનની રાખડીનાં રખવાળાં મળ્યાં. હવે તો આખા મુલકને ઉથલાવી જ નાખું.”