પૃષ્ઠ:Palkara.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ધરતીનો સાદ
147
 

છપાશેં, હેં ભાઈબંધ ?”

[8]

“કોણ છો તમે ?”

અવાજ ક્ષીણ હતો, એથી વધુ જર્જરિત એ પૂછનારનો દેહ હતો. સહુથી વધુ દુર્બળ હતું એ કાતરિયું, જ્યાં એ મગતરા સરખો માનવી બેઠો હતો.

“હું-હું પાંચો છું.” જવાબ આપનાર કદાવર આદમીનું ગળું કોણ કાકરે શા કારણે થોથરાયું. એની મોટી અને કસુંબલ આંખો એ નાના સ્થળને હજુ પૂરેપૂરું નહોતી નિહાળી રહી.

“શા માટે આવ્યા છો ?” ખુરશી પર બેઠેલા હાડપિંજરે ફરીથી પ્રશ્ન કર્યો.

“શા માટે ?” લૂંટારાએ હાસ્ય કર્યું : “તમે – તમે – તમે પોતે જ ‘ભાઈજી’ ખરા કે ? તમે મને તેડાવેલો નો’તો ? હું પંડે જ પાંચો.”

“મેં તો તેડાવ્યો હતો પાંચા વીરને – પાંચા ડાકુને નહિ, મારે તો મળવું હતું પાંચા બહાદરને - પાંચા લૂંટારાને નહિ.”

બોલનારનો દેહ ક્ષીણ છતાં ખુરસી પર ટટાર બેઠો હતો. એના જીર્ણ લેબાસમાં સુઘડતા હતી. ગાલના ખાડા ઉપર અકાળે શ્વેત બનતા જતા રેશમી વાળની પાંખી દાઢી હતી. લાકડી જેવાં પાતળાં હાથકાંડાં ટેબલ પર મક્કમ અદબ ભીડીને પડ્યાં હતાં. ઊંડી ઊંડી આંખોના કૂપમાંથી એની કીકીઓ હીરાકણી-શી ચમકતી હતી.

આવી આંખો પાંચાએ પૂર્વે કદી નહોતી દીઠેલી. લોકજીભેથી સાંભળેલું કે અંતર્યામી હંમેશાં માનવીનાં નેત્રોમાંથી ડોકાય છે. અહીં એ કથનનો સાક્ષાત્કાર કરતો પાંચો ઊભો હતો. એણે જાણે કશુંક એવું દીઠું, કે જે જોયા વગર જો મરી જઈએ તો આપણને ઓરતો રહી જાય.

આવડા નાનકા માનવીને આવી મોટી ને ઝગારા મારતી આંખો ? મા આંખો આષાઢી રાતને ઘનઘોર અંધારેય ધાર્યા નિશાન ઉડાવે ને ?

ડાકુને દરેક વસ્તુનું મૂલ્ય આ હિસાબે જ મૂલવવાનું હતું.