પૃષ્ઠ:Palkara.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
149
 

પાંચાના ગાળામાં નાના બાળકના જેવો કચવાટ હતો.

“એ ઉમેદ તેં મને ઓળખ્યા વગર બાંધી હતી, અને રાજને આ રીતે રંજાડવાથી શું, બસ વાત પતી ગઈ ?”

“કેમ ?”

“આજ તારો વારો; કાલે રાજનો વારો. તું એક તિજોરી લૂંટશે; રાજ વળતે જ દિવસે એ તિજોરીને વસતિનાં લોહીમાંસથી ભરી કાઢશે. તું પચીસ બંદુકો વસાવશે; રાજ સો મંગાવશે. આ તારી બહાદરી !”

બોલનારનો અવાજ હજુ બદલ્યો નહોતો. એની આંખોએ રિસ્થરતા છોડી ન હતી.

“ત્યારે શું કરવું ?”

“કહું, બેસો.” નાના માણસે ખુરસી બતાવી.

બહારવટિયાએ ખુરસી પર હાથ મૂકીને જોઈ લીધું કે બેસવા જતાં અકસ્માત થવાનું જોખમ છે. એને વર્તમાનપત્રોનાં પત્નીએ મોકલેલ રાખડીની વાત યાદ આવી. પોતાના માપનો સરંજામ કોઈ નથી વસાવતું તે વાતનો એને માનસિક ધોખો થયો.

એ ઊભો જ રહ્યો. કપાળેથી એણે પસીનો લૂછ્યો.

બાજુમાં જ દીવાલ ઉપર એક નકશો લટકતો હતો. તેના ઉપર એ નાના માણસની આંગળી ચપ ચપ દોડવા લાગી. આંગળીને ફેરવતાં ફેરવતાં એણે બહારવટિયાને સંભળાવ્યું : “પાંચાભાઈ ! આ આપણી જન્મભૂમિ. આ લાલ ટપકાં છે તેટલાં રાજનાં થાણાં. આ રાજની ફોજની છાવણીઓ. આ એનું લાવલશ્કર. તેં આટલાં ગામ ભાંગ્યાં. રાજે તારા વૈરની વસૂલાત આટલાં આટલાં ગામો સળગાવીને કરી લીધી. આટલાં ફાંસીને લાકડે, આટલાં ગોળીબારથી ઠાર, આટલી જમીન જપ્ત. આટલી ઓરતોનાં શિયળ રોળાયાં…”

નાનો આદમી નકશા પરની એંધાણીઓ વાંચતો જાય છે, ને પાંચાનાં આંગળાં કપાળ પર વળતા સ્વેદની ધારાઓને નીચે ટપકાવતાં જાય છે.