પૃષ્ઠ:Palkara.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માસ્તર સાહેબ
7
 

ગયા. ચશ્માંને આઘાંપાછાં કરીને ખુરસી પર ઝીણી દૃષ્ટિ ફેરવી, ખુરસીની ગાદી પરથી એક ટાંકણી ખેંચી કાઢીને મહાન શોધ કરી હોય તેવે ચહેરે ટાંકણી વિદ્યાર્થીઓ સન્મુખ ધરી.

ફરી વાર 49 છોકરાઓએ છેલ્લી બેન્ચ પર તીરછી નજર કરી. ત્યાં બેઠેલા બાળકના મોં પર કોઈ અજબ ભોળપ, નરમાશ અને વિનય નીતરતાં હતાં.

“વેલ, વેલ, વેલ, છોકરાઓ !” માસ્તર સાહેબે ટાંકણી ટેબલ પર મૂકીને કોઈ મોટું કાવતરું પકડી પાડનાર સરકારી સી. આઈ. ડી.ના જેવો તોર મોં પર ધારણ કર્યો. પણ હાલ તુરત પોતે એ વાતને જાણીબૂજીને દબાવી રાખવા ઇચ્છે છે એવું બતાવીને એમણે વર્ગનું કાર્ય ચાલુ કર્યું.

“વિદ્યાર્થીઓ ! આજે તો આપણે કેમિસ્ટ્રી બંધ રાખશું. તેને બદલે આ દીવાલો ઉપર જે નીતિ-સૂત્રો લખ્યાં છે તેનો વિચાર કરીએ.”

એમ કહીને માસ્તર સાહેબે પોતાની નેતરની સોટી ઉપાડી સોટીને હાથમાં લેતી વખતે પોતે સમશેર વીંઝતા ઘોડેસવાર શિવાજીના ચિત્રમાં જે ગૌરવ રહેલું છે તે ગૌરવનો અનુભવ કરતા હતા. સોટાના છેડા વતી ક્લાસની ભીંતો ઉપર લટકતી તખ્તીઓ એમણે બતાવવા માંડી (શાળાના ધર્મપ્રેમી પ્રોપ્રાયટરે દરેક વર્ગમાં આ સૂત્રશણગાર કરેલો હતો) :

सत्यमेव जयते

“વિદ્યાર્થીઓ ! સંસારમાં પ્રવેશ કરો ત્યારે આ સૂત્ર વીસરશો નહિ. શું લખ્યું છે ? सत्यमेवૐ…

‘‘जयते” આખો વર્ગ ગાજી ઊઠ્યો.

“શાબાશ ! એનો શો અર્થ ? શો અર્થ ? શો અર્થ ?…” માસ્તર સાહેબની સોટી એક પછી એક વિદ્યાર્થી તરફ તાકવા માંડી. એટલામાં –

“મીં…યાં…ઉ…ઉ !” – એવો એક બિલ્લીસ્વર ઊઠયો, માસ્તર સાહેબ ચમક્યા. વિદ્યાર્થીઓ હસવા લાગ્યા. પાછલી બેન્ચ પરનો ગરવો છોકરો હજુ પણ એવો ને એવો સૌમ્ય બની બેસી રહ્યો હતો.