પૃષ્ઠ:Palkara.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ધરતીનો સાદ
151
 

જાહેર કરવું. એ રાજ ખેડૂતોને જમીન પાછી સોંપશે. અદલ ન્યાય તોળશે. ધનિક-નિર્ધનના ભેદ ટાળશે, ને જય પોકારશે જનમભોમની, પાંચાની નહિ.”

બોલનાર નાના માનવીનાં નેત્રોમાં ભાવીનું સ્વપ્ન રમી રહ્યું. એણે પાંચાની ઝીણી તાકતી આંખો પાસેથી જવાબ મેળવવા થોડો પોરો ખાધો. એને હજુ આસ્થા નહોતી કે ડાકુને પોતાનો એકલ વિજયડંકો વગાડવાનો મોહ છૂટી શકશે.

પાંચાના કપાળ પર વળેલી વિચાર-કરચલીઓ જાણે કોઈ અદૃશ્ય છેકભૂંસ કરતી કશીક ગણતરી ગણી રહી હતી. એણે થાકીને માથાબંધની આંટીઓમાંથી એક બીડી ને દીવાસળીનું બાકસ કાઢ્યાં, બીડી મોંમાં ઝાલીને દીવાસળી ચેતાવી.

દીવાસળી બુઝાઈ ગઈ. ફરી ચેતાવી. બીજી પણ હોલવાઈ. ત્રીજી, ચોથી, એમ સળગતી સળીઓ હાથમાં ને હાથમાં થંભીને ખતમ થઈ ગઈ. કેટલીક તો બીડીનાં ટોપકાં સુધી પહોંચી જ નહિ, ને કેટલીક ઝગી તો બીડીને ફૂંક જ લેવાનું ડાકુ વીસરી ગયો. મોંમાંથી બીડી હાથમાં લઈ લીધી. ને જાણે કે નિર્ણય કર્યો હોય તેમ માથું ઘુણાવ્યું.

ભાઈજીની સખ્ત દીદારમાં પાંચાએ માગણી દીઠી. એ માગણીમાં માર્દવ હતું, વહાલ હતું. વેદના હતી.

“ઠીક ત્યારે,” કહેતો ડાકુ ખડો થયો. એણે સલામ ભરતો જમણો હાથે માથાબંધને અડકાડ્યો.

ભાઈજી પણ ઊભા થયા. બેઉ સામસામા ઊભા રહ્યા. ભાઈજીનો ઠીંગું દેહ આ ડાકુના આભ-રમતા મોં સામે નિહાળવા માથું ઊંચું કરતો ઊભો.

“મેં-મેં-મેં તો,” ડાકુએ અચકાતે અચકાતે કહ્યું : “તમારી જબાનમાંથી એક હેતના સખુનની આશા કરેલી. મને આ રાજપલટાની વાતમાં કાંઈ ગમ નથી પડતી. હું તો એકલા ભાઈજીના જ હેતપ્રીતનો ભૂખ્યો હતો. મારે માં નથી, બાપ નથી – કોઈ નથી. હું તો ખાંપણ ભેળું લઈને ફરું છું. મને છાંટો એક પ્રીતિની, શાબાશીની ભૂખ…”