પૃષ્ઠ:Palkara.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
152
પલકારા
 

ભાઈજીએ ધસી જઈને પચ્ચીસ વરસના જોધાર બહારવટિયાના દેહ ફરતી બાથ નાખી. માંડ માંડ પહોંચી શકતા હાથની ભેટ ભીંસીને એણે એક ગદ્‌ગદિત બોલ કહ્યો : “ભાઈ !”

“ભાઈજી ! બાપ ! –” બોલતો બહારવટિયો એ નાના દેશભક્તનું કલેવર પોતાની બાથમાં ઘાલીને થંભી ગયો; કરગર્યો : “બીજું કાંઈ નહિ; પણ મારા માથે મે’રબાની રાખજો. પાંચો તો ભાઈજીની વા’લપનો ભૂખ્યો છે.”

ભાઈજીના દૂબળા પંજાએ બહારવટિયાની છીપર જેવી પીઠ થાબડી.

[10]

પાંચો બહાર ગયો. બાવળની ઝાડીમાં એના પચીસ જણા બેઠા હતા; થોડાક સાંઢિયા ઝૂકેલા હતા તેની ઓથે બીડીઓ ઝગવતા હતા. થોડાક ઘોડેસવારો હતા. તેઓ લગામો કાંડે વીંટાળીને ઝોલાં ખાતા હતા. હરણીનાં તારોડિયાં ક્ષિતિજમાં અરધાં ખૂતી ગયાં હતાં. પ્હો ફાટવાની વાટ જોતાં પંખીઓએ માળામાં ફડફડ કરી મીઠી અધીરાઈની સ્વર-શરણાઈઓ મચાવી મૂકી હતી.

“ભાઈઓ !” પાંચો નજીક ગયો, તમામ ખડા થયા. શું બન્યું તે સાંભળવા સર્વે તલપાપડ હતા.

“હું ભાઈજીને મળ્યો. ભાઈજી મને મળ્યા.” પાંચાએ વધામણીની વાણી સંભળાવી.

“મળ્યા ? ભાઈજી મળ્યા ?” સાથીઓમાં ગણગણાટ મચ્યો.

“પણ એણે કહ્યું કે આપણી રીત ખોટી છે.”

“હોય નહિ.”

પાંચાએ તકરાર કે પ્રતિવાદ રોકાવીને કહ્યું : “એ તો ભાઈજી બોલે એ જ હોય. હવે આપણે વધુ વાત કરવાની વેળા નથી. જુઓ –”

સહુ નજીક આવ્યા.

“તું પેથા ! તું ઊપડ સાજીકાંઠે. તું વેણશી, મારતે ઘોડે સિંદોરિયા પંથકમાં ઘૂમી વળ. તું દેવાયત, સાંઢિયાની સ૨ક ડોંચ્યા વગર રેવતગાળે