પૃષ્ઠ:Palkara.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ધરતીનો સાદ
155
 

“જામી, આ તો જોડલી જામી !” સાથીઓ પૈકીના એકે ધીરો બબડાટ કર્યો.

– ને પત્રકાર મિત્ર કૅમેરાની ચાંપ ઉપર આંગળી રાખીને આ અપરહણનું પ્રતાપી દૃશ્ય કૅમેરાને કલેજે કેદ પકડવા તત્પર હતો.

ઓચિંતાની એક થપાટ સંભળાઈ.

આડું અવળું જોઈ શરમાતા ઊભેલા સાથીઓએ સન્મુખ જોયું.

બહારવટિયો પોતાનો ડાબો ગાલ પંપાળી રહ્યો હતો.

કન્યાનો જમણો પંજો ફરી વાર ઊંચો થયો છે, એના ચહેરા પર ગલ-ફૂલોની વનરાઈ સળગી ઊઠી છે.

નદીમાંથી ભેંસ પણ ઊભી થઈને માથું હિલોળતી પોતાની રખેવાળની વહારે ધસી.

બહારવટિયાનો ડાબો હાથ કમરમાં ખોસેલા લાંબા ચાબુક પર ગયો.

“જોજે હો ! આબરૂમાં રે’જે હો, લૂંટારા !” એમ ચેતવતી કન્યાનાં ગોળાકાર મોટાં નેત્રોએ બિલાડીની આંખોને મળતી ટાંપ માંડી.

બહારવટિયો રોષે ખદબદતો થોડો ખચકાયો. હજુ એની હથેળી પેલો ગાલ પરનો તમાચો ચંચળાવતી હતી.

“કહ્યું નહિ તને, કે છેટો રે’જે ? મેં ન કહ્યું પહેલેથી જ, કે લઈ જવી હોય તો મને પરણીને પછી લઈ જા ! તોય તને સાધ્ય ન રહી, તે હાલ્યો આવ્યો મારા હાથ ઝાલવા !”

પાંચાના મોં ઉપર ક્રોધ, લજ્જા અને ફિદાગીરીના રંગો જાણે સાતતાળીનો દાવ રમી રહ્યા હતા.

“તમને સઉને કહું છું –” કહેતી કન્યા બીજા બધા તરફ ફરી : “મને તેડી જવી હોય તો પ્રથમ મારી જોડે લગન કરે; પછી તેડી જાય. શું બધેય તમે નફટાઈ દીઠી ? આ શું બા’રવટાની રીત છે ?”

પાંચો પાછો વળ્યો. ઘોડા ઉપર અસવાર બન્યો. એની ટુકડીએ માર્ગ લીધો.

પાછળ એક જ બોલ અથડાયો : “ફટ છે, ડાકુ !”