પૃષ્ઠ:Palkara.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
156
પલકારા
 

એક એક પથ્થર જાણે એ શબ્દોમાંથી છૂટીને પ્રત્યેકના લમણામાં લાગ્યો.

રાત પડી તોય પાંચાના મોમાંથી એક સખુન ન સંભળાયો.

બીજે દિવસે બહારવટિયો ને છાપાવાળો એક તળાવડીને કાંઠે એકલા પડ્યા, પાંચાથી બોલાઈ ગયું : “કાલે સાંજે તો બહુ થઈ !”

છાપાવાળો હસ્યો. પાંચાના ગાલ ઉપ૨ એણે હાથ ફેરવ્યો; કહ્યું : “ખમ્મા મારા કોડીલા આશકને !”

ભોંઠપનો ભાર છોડી દઈને પાંચો પણ ફાટફાટ હયો પછી છાપાવાળાએ પૂછ્યું : “પણ હવે કરવું છે શું ?”

“બીજું શું ? દુનિયા પડ માથે એ સિવાયની નાની એટલી બેન છે. ને મોટી એટલી મા.”

“કેમ, તમાચો એટલો બધો મીઠો લાગ્યો ?”

“તમાચાએ તો એનું પાણી દેખાડી દીધું.”

“પણ તારું પાણી ઉતારી નાખ્યું તેનું શું ?”

“મરદનાં પાણી થોડાંક ઊતરે તોય શું ? ખરાખરીના ખપનું પાણી તો ઓરતનું જ, એના પેટમાં આળોટનારા કેવા નીપજે ?”

દૂરથી કોઈ ગાયનો ભાંભરડો સંભળાયો. સાંભળીને બહારવટિયાએ નિઃશ્વાસ છોડ્યો.

પત્રકારે પૂછ્યું : “કાં, ઈશ્કી તો મોરને કે કોયલને ટહુકે વીંધાય, તેને બદલે તું આમ ગાયને ભાંભરડે કાં ભાંગી પડ્યો ?”

“ગોધો છું ખરો ને ?”

“ત્યારે હવે શું કરશું ?”

“હવે એ તો શેની માને ? એને તો પાંચાના નામનો ફિટકાર લાગી ગયો હશે.”

“પ્રેમપત્ર લખી મોકલશું ?”

“લખીશ તું, દોસ્ત ?”

“હા, થોડા ઇશ્કના દુહા જોડી દઉં.”