પૃષ્ઠ:Palkara.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
158
પલકારા
 

તો બોલી નાખજો. બોલનારને તલવાર-ભાલાને તોરણે પોંખવામાં આવશે, પછી ઘણા જ માનપાન ને ભપકા સાથે મસાણખડીમાં લઈ જવામાં આવશે તથા તેના નામનો પાળિયો ઊભો કરી તે ઉપર સિંદૂર ને ઘીના દીવા ધરવામાં આવશે. માટે છે કોઈ આવા માનનો ઇંતેજાર ?”

કોઈ ન નીકળ્યું.

[12]

પાંચો પરણી ઊતર્યો.

શૌર્યમાં પ્રેમ ભળ્યો. હુતાશનમાં ઘીની આહુતિ પડી. સભરભર્યા જીવનનો સ્વાદ ચાખી ચૂકેલો બહારવટિયો બેવડો રણઘેલુડો બન્યો. “હવે તો જનમભોમ માટે ખપી જવામાં કશી અબળખા બાકી રહી નથી,” એવું કહેતો એ સંગ્રામે ચડ્યો.

ને પ્રજા સઘળી પાંચાની જુવાનીમાં એકાકાર બની ગઈ. ‘હાલો, હાલો, હાલો મારા ભાઈલાઓ !’ એ બોલ પડતાં તો ફૂલઝર સળગ્યે ફૂલોની લાખ લાખ કણિકાઓ વરસે તે રીતે ઘોડલાના ડાબલા પકડાયા, એક છેડાથી બીજા છેડા સુધી ઘમસાણ બોલી ગઈ.

ને પાંચાની જીતને પગલે પગલે ભાઈજીના સેનાપતિએ થાણાં બેસારી દીધાં. રાજનું લાવલશ્કર કંઈક નાસી છૂટ્યું, કંઈક સફા થયું ને બાકીનું જઈ છેવટના રાજમથક ઉપર જમા થયું.

રોજેરોજની આદત મુજબ એક દિવસ પ્રભાતે જ્યારે છાપાવાળા દોસ્ત આગલા દિવસનું પોતાનું છાપું લઈને બહારવટિયાને બતાવવા ગયો ત્યારે એક બીના બની ગઈ.

“આ શું છાપી માર્યું ?” પાંચાએ ભૂલ બતાવી : “આ… રાજમથક પાંચે બા’રવટીએ તોડ્યું, એવું તે કેમ કરીને લખ્યું ?”

“કેમ ?”

“મેં તો એ મથકને માર્ગે હજી પગ મૂક્યો નથી ને ?”

“પણ મેં તો લખી માર્યું, ને એ લોકોએ છાપી માર્યું, હવે શું થાય ?”

“પણ ખોટું છાપી મારે ?”